ભારતમાં કોરોના મહામારી વચ્ચે આંશિક રાહતના સમચાર ચોમાસાની સમયસરની આગાહીરુપે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આ વર્ષે નૈઋત્ય ચોમાસાની સીઝનની શરૃઆત કેરળમાં સમયસર થઈ જાય તેમ છે. સંભવત પહેલી જૂનથી કેરળ વિસ્તારમાં વરસાદ સાથે સમગ્ર દેશમાં આ સીઝનનો આરંભ થઈ જવાની સંભાવના છે. હવામાન વિભાગના એક્સટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ એટલે કે, ઇઆરએફમાં જણાવ્યા અનુસાર અનુસાર ભારતમાં વર્ષોથી ચાલતા ઋતુચક્રમાં છેલ્લાં પાંચેક વર્ષથી થોડા ફેરફાર આવ્યો છે. પરંતુ આ વખતે દેશમાં ચોમાસું સીઝનની શરૃઆત યોગ્ય સમયે થઈ જશે. નૈઋત્ય ચોમાસાની શરૃઆત કેરળમાં સમયસર શરૂ થયા બાદ સમગ્ર દેશમાં જ નેઋત્ય ચોમાસાના પવન ફુંકાશે. એટલે વિવિધ રાજ્યોમાં ચોમાસાની શરૃઆત તેના સમયઅનુસર થઈ જશે. દેશમાં સતત ત્રીજા વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. ચાલુ વર્ષે નૈઋત્યના ચોમાસામાં પાંચ ટકાના એરર માર્જિન સાથે ૯૮ ટકા વરસાદ થાય તેવી સંભાવના છે.
ભારતમાં ચોમાસાનો ૭૦ ટકા વરસાદ જૂનથી સપ્ટેમ્બર મહિના વચ્ચે પડે છે. ચાલુ વર્ષનું નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેવાની શકયતા છે. હવે ૧૫મી મેના રોજ હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગેની સત્તાવાર આગાહી કરાશે. આ પ્રારંભિક અંદાજ છે. ક્યાં કેટલા વરસાદની સંભાવના રહેશે તેની આગાહી ૩૧ મેના રોજ થઈ શકે છે. ઇઆરએફમાં કેરળમાં ચોમાસું સમયસર શરૂ થયા બાદ પ્રમાણસર વરસાદ વરસવાની સંભાવના દર્શાવાય છે. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને ગુરુવારે ટ્વિટ કરીને ચોમાસાના આરંભ વિશેના પ્રારંભિક સંકેત આપ્યા હતા. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યના પવનો સાથે વર્તાતા ચોમાસામાં દેશના કુલ વરસાદનો ૭૦-૭૫ ટકા વરસાદ થઈ જાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતમાં ચોમાસાના ૪ મહિના દરમિયાન પ્રશાંત મહાસાગરમાં અલ નીનો ન્યુટ્રલ ફેઝમાં રહેવાની સંભાવના છે. જેના પગલે ભારતમાં સારો વરસાદ પડવાની આશા રાખી શકાય તેમ છે.