સુરતમાં દુષ્કર્મના બનાવોમાં કોર્ટ આકરી સજા ફટકારવામાં આવતી હોવા છતાં નરાધમોમાં ડર નથી પેસી રહ્યો. કિશોરીઓ એક પછી એક બળાત્કારનો ભોગ બની રહી છે. ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર આવાસના બંધ મકાનમાં ગેંગ રેપનો મામલો સામે આવ્યો છે. આ કેસ સામે આવતાં ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ છે. ડિંડોલી પોલીસે પ્રશંસનીય કામ કરતા ગણતરીના કલાકોમાં ત્રણેય બળાત્કારીઓને પકડી આગળની તપાસ હાથ ધરી છે.
આ કેસ સંદર્ભે ડિંડોલી પોલીસના પીએસઆઈ કે.બી.દેસાઈએ જણાવ્યું હતું કે, લગ્ન ન કરવાને લઈ ભાગેલી કિશોરીને સહારો આપનાર અને તેણીના મિત્રોએ જ ગેંગ રેપ કર્યો છે. એક અઠવાડિયા પહેલા કિશોરી સાથે મારઝૂડ પણ કરાઈ હતી. કિશોરીએ 9માં ધોરણ સુધી નો અભ્યાસ કર્યો છે. માતા એ કિશોરી દીકરી સાથે તમામ સંબંધ તોડી નાખ્યાં હોવાનું જાણવા મળ્યું છે. હજી મેડિકલ તપાસ બાકી છે.
દોઢ વર્ષ પહેલાં એટલે કે, 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતા કિશોરી પોતાનું ઘર છોડીને સુરજસિંહ નામના યુવાન સાથે સુરત ભાગીને આવી ગઇ હતી. ત્યારબાદ બન્ને અલગ અલગ જગ્યાઓ પર રહેતા હતા. જોકે દાનત બગડતા સુરજસિંહે કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. પછી અવાર નવાર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી.
ગેંગરેપનો ભોગ બનેલી કિશોરી રખડતી હાલતમાં ફર્નીચરની દુકાન ધરાવતા સંજયભાઈને મળી આવતા તેમણે સહારો આપી પોતાની દુકાનમાં કામે રાખી લીધી હતી. જોકે આ બાબતની જાણ સુરજસિંહને થઈ જતા એ સંજયભાઈના ઘરે કિશોરીને મળવા આવતા તમામ હકીકત બહાર આવી હતી. જેને લઈ સંજયભાઈની મદદથી કિશોરીએ ન્યાય માટે પોલીસ દ્વાર ખખડાવતા પોલીસે ત્રણ નરાધમ વિરુદ્ધ ગુનો નોંધી રાતોરાત ત્રણેયને ડિટેઇન કર્યા હતા.