8મી માર્ચને આંતર રાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિશેષ અને સિદ્ધવંત, સમાજસેવી, રાજકીય પાર્ટીની અગ્રણી મહિલાઓનું સન્માન પણ કરવામાં આવે છે. ભારતમાં પણ છેલ્લાં પાંચ વર્ષથી મહિલા દિનની ઉજવણી કાર્યક્રમો યોજીને કરાઈ રહી છે. ત્યારે રાજકોટમાં ઇન્ટરનેશનલ વુમન્સ-ડે નિમિત્તે મહિલાઓને પાલિકા શાસકોએ સિટી બસ અને BRTS બસમાં વિના મુલ્યે મુસાફરી કરાવવાની જાહેરાત કરી છે. રાજકોટ મનપાના શાસકોના મતે મહિલા દિવસે પાલિકા દ્વારા આ પ્રકારે ભેટ આપવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકાના શાસકોના આ નિર્ણયથી પાલિકાને લાખો રૃપિયાનો ખર્ચ વેંઢારવો પડશે. આમ છતાં મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના સાથે શાસકોએ આ નિર્ણય કર્યો છે. એટલે કે, સોમવારે રાજકોટમાં સિટી બસ અને BRTS બસમાં મહિલાઓ ફ્રી મુસાફરી કરી શકશે.
બસમાં મહિલાઓને મુસાફરી કરવા બદલ કોઈ પૈસા ચુકવવા નહીં પડે. પાલિકાની આ જાહેરાત બાદ તેનો વધુને વધુ લોકો લાભ લે તેવી અપીલ કરાઈ છે. શાસકોના જણાવ્યા પ્રમાણે કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત મહિલાઓ મફત મુસાફરી કરી શકશે. આ માટે કંડકટરને સુચના આપી દેવાઈ છે કે, મહિલાઓ પાસે કોઈ નાણા વસૂલવામાં નહીં આવે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે શનિવારે આ વિશે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી. કમિશનરે કહ્યું હતુ કે, દર વર્ષે મહિલા દિવસ, રક્ષાબંધન અને ભાઇબીજના દિવસે સિટી અને BRTS બસ સેવામાં મહિલાઓ માટે નિઃશુલ્ક મુસાફરીની જાહેર રાજકોટ મનપા કરતી રહી છે. સોમવારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પણ સિટી અને BRTS બસ સેવામાં મહિલાઓને નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવશે. આ યોજનાનો વધુ મહિલાઓ લાભ લેશે તેવી તેમને આશા છે. રાજકોટમાં સીટી અને બીઆરટીએસનો દરરોજ 40,000થી વધુ લોકો લાભ લે છે.