કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ અત્યાર સુધી અંતરિક્ષમાં ગયેલી બે ભારતીય મૂળની દિકરી છે. હવે આ સિદ્ધીમાં વધુ એક દીકરીનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે. 34 વર્ષીય સિરિષા બાંડાલા હાલ અંતરિક્ષમાં જવાની તૈયારી કરી રહી છે. અંતરિક્ષની સફળ ખેડનારી ભારતીય મૂળની ત્રીજી મહિલા હશે. આંધ્ર પ્રદેશના ગુન્ટૂર જિલ્લામાં જન્મેલી અને અમેરિકના હ્યુસ્ટન, ટેક્સાસમાં મોટી થયેલી સિરિષા બાંડાલાની પસંદગી અંતરિક્ષના યાત્રી તરીકે થતાં તેમના પરિવારમાં ખુશીનો કોઈ પાર રહ્યો નથી. સિરિષા બાંડાલાનો જન્મ આંધ્ર પ્રદેશના ગુન્ટૂર જિલ્લામાં થયો હતો. સિરિષાના પિતા મુરલીધારે પ્લાન્ટ પેથોલોજીમાં P.hd કર્યા બાદ 1989મા અમેરિકા પ્રયાણ કર્યું હતુ. જે બાદ તેઓએ અમેરિકી સરકાર માટે કામ કર્યું છે. જયારે સિરિષાની માતા અનુરાધા વૉશિંગટન ડીસીમાં રહીને ત્યાં નોકરી કરી રહ્યા છે. સિરિષા બાંડાલાનો પરિવાર વૉશિંગટનમાં શિફ્ટ થઈ ગયો હતો. તેણે વૉશિંગટનમાં એરોસ્પેસ અને એસ્ટ્રોનોટિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું છે. જોર્જ વૉશિંગટન યુનિવર્સિટીથી MBA પૂરું કર્યા બાદ સિરિષા વર્ષ 2015થી વર્જિન ગેલેક્ટિક માટે કાર્ય કરી રહી છે.
દરમિયાન વિર્જિન ગેલેક્ટિક દ્વારા ટ્વીટર હેન્ડલ પરથી પોસ્ટ એક વીડિયોમાં સિરિષા બાંડાલાએ કહ્યું હતુ કે, હું ટૂંક સમયમાં જ અંતરિક્ષની સફરે જવાની છું. જ્યારે પહેલી વખત મેં સાંભળ્યું કે મને અંતરિક્ષમાં મોકલવામાં આવનાર છે, ત્યારે હું એક તબક્કે તો સ્તબ્ધ થઈ ગઈ હતી. મારી ખુશી એટલી હતી કે હું કાંઈ પણ બોલી શકી ન હતી. અલગ અલગ પૃષ્ટભૂમિ, ભૌગોલિક અને અલગ અલગ સમુદાયના લોકો સાથે અંતરિક્ષમાં જવા માટે મારી પસંદગી થવી મારા માટે સૌથી મોટી તક છે. તે એરોનોટિકલ એન્જિનિયર વિર્જિન ગેલેક્ટિક ટેસ્ટ ફ્લાઇટથી રવાના થશે. વર્જિન ગેલેસ્ટિક પર બતાવવામાં આવેલા પ્રોફાઇલ મુજબ સિરિષા બાંડાલા અંતરીક્ષ યાત્રી નંબર 004 હશે અને ફ્લાઇટમાં તેની ભૂમિકા રિસર્ચર એક્સપિરિયન્સની હશે.
કંપનીના અબજપતિ સંસ્થાપક સર રિચાર્ડ બ્રાનસન અને પાંચ અન્ય વૈજ્ઞાનિકો સાથે તે વિર્જિન ગેલેક્ટિક સ્પેસશિપથી ન્યુ મેક્સિકોથી રવાના થશે. સિરિષા બાંડાલાએ આ અંગેની એક ટ્વીટમાં જાહેર કર્યું છે કે, તે Unity22નો ભાગ હશે અને એક એવી કંપનીમાં કામ કરી રહી હોવાનો મને ખૂબ જ ગર્વ છે. અમારુ મિશન અંતરીક્ષમાંથી માહિતી મેળવીને દુનિયાને શું લાભ થઈ શકે તે શોધવાનું છે. કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ સ્પેશમાં જનારી તે ભારતીય મૂળની ત્રીજી મહિલા હશે. વિર્જિન ગેલેક્ટિકનું કહેવું છે કે આ મિશન અંતરીક્ષ પર્યટકોને પ્રોત્સાહન આપવા માટે એક પ્રયોગ તરીકે કરાશે. હાલ કંપનીએ અંતરીક્ષ યાત્રા માટે આવશ્યક મંજૂરી લઈ લીધી છે. સિરિષાના દાદાને આ વાતની જાણ થતા તેણે કહ્યું કે સિરિષા અંતરીક્ષમાં યાત્રા પર જનારી તેલુગુ મૂળની પહેલી મહિલા હશે. તેની આ સિદ્ધીથી અમારો પરિવાર ખૂબ જ ખુશ છે.