ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે, આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને, તમામ રાજકીય પક્ષો આ દિવસોમાં જનતાને આકર્ષવા માટે ઘણા વચનો આપી રહ્યા છે. કેટલાક જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનું વચન આપી રહ્યા છે તો કેટલાક ખેડૂતોને વળતર આપવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન, શાસક પક્ષ ભાજપે દિવાળીના અવસર પર ગુજરાતની જનતા માટે મોટી જાહેરાત કરી છે. દિવાળીના કારણે 21 થી 27 ઓક્ટોબર દરમિયાન ટ્રાફિક ચલણ કાપવામાં આવશે નહીં. ત્યારે તહેવારો દરમિયાન ગુજરાત સરકારનો ચલણ ન કાપવાનો નિર્ણય ઘણા લોકોને ચોક્કસ ગમશે.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, ‘ટ્રાફિક પોલીસ 21 થી 27 ઓક્ટોબર સુધી નાગરિકો પાસેથી કોઈ દંડ વસૂલશે નહીં. આનો અર્થ એ નથી કે તમે (નાગરિકો) ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરો.’ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નિયમો તોડનારાઓને પોલીસ સમજાવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જનતાએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે પરંતુ જો ભૂલથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય તો પોલીસ તેમનું ચલાન કાપશે નહીં.
જણાવી દઈએ કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષ્યતામાં સુરક્ષા બેઠકનું આયોજન થયું હતું. સુરત પોલીસ સહિત અહીંની સોસાયટીના પ્રમુખો વચ્ચે દિવાળીના તહેવાર પહેલા બેઠક યોજાઈ હતી. ત્યારે હવે દિવાળીના તહેવાર પહેલા સુરક્ષાને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતમાં આયોજિત સેફ દિવાળી, સેફ સુરત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સુરતના ઉમરા વિસ્તારમાં અહીંની સોસાયટીઓના લગભગ 500થી વધુ પ્રમુખો બેઠકમાં હાજર રહ્યા હતા. સુરતના વિવિધ વિસ્તારો જેવા કે અલથાણ, ખટોદરા, ઉમરા, વેસુ, પાંડેસરા જવા વિસ્તારના આગેવાનો અને લોકો સાથે આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.