નવસારીમાં આજે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને અચાનક એટેક આવતા મોત નીપજ્યું હતું. આ ઘટનાથી તંત્ર ચકિત થઈ ગયું હતું અને દોડતું થયું હતું.
હાલમાં રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. કોરોનાને પગલે 2 વર્ષ બાદ બોર્ડની પરીક્ષાઓ યોજાઈ હતી.
ગત રોજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. આજે મંગળવારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું પેપર ન હતું. જોકે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી. 2 વર્ષ બાદ યોજયેલી બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ નવસારીમાં એક દુઃખદ ઘટના બનતા તંત્ર સહિત લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
નવસારીમાં બોર્ડની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. નવસારીમાં રહેતો ઉત્સવ નરેન્દ્રભાઈ શાહ વિદ્યાકુંજ શાળામાં ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરી રહ્યો હતો.
હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં ઉત્સવનું સેન્ટર અગ્રવાલ સ્કૂલ હતું. જ્યાં ઉત્સવ ગત રોજ પરીક્ષા આપવા ગયો હતો. પરંતુ બોર્ડની પરીક્ષાનું બીજું પેપર ઉત્સવ ન આપી શક્યો. આજે બપોરે ઉત્સવ સ્ટેટિક્સ વિષયની પરીક્ષા આપવા જવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન પરીક્ષા આપવા ઘરેથી નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં તો ઉત્સવ ઢળી પડ્યો હતો. જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાંથી તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા ફરજ પરના ડોકટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.