સ્વિમિંગ શીખવા જતી ધનાઢ્ય પરિવારની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારા સ્વિમિંગ કોચની વેરાવળ પોલીસે ધરપકડ કરી છે. પરિણીતા 2014માં સ્વિમિંગ શીખવા જતી હતી. તે દરમિયાન તેનો પરિચય ત્યાં ટ્રેનરનું કામ કરતા પ્રકાશ શિમ્પી નામના શખ્સ સાથે થઇ હતી. પ્રકાશ વેરાવળની એક હોટેલમાં સ્વિમિંગ શીખવતો હતો. 2014થી 2021 સુધી પ્રકાશે વારંવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ કેસની મળતી વિગતો અનુસાર, સ્વિમિંગ શીખવા આવતી પરિણીતાને પ્રકાશે પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે ધીરે ધીરે વાતો કરવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન પ્રકાશે પરિણીતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પ્રકાશે તેનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પ્રકાશે મહિલા સાથે વારંવાર તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હોવાનો આરોપ મહિલાએ કર્યો હતો. પોતાની આબરું બચાવવા માટે પરિણીતા અત્યારસુધી ચૂપચાપ પ્રકાશ સાથે શારિરીક સંબંધો બાંધતી રહી હતી. જોકે, પ્રકાશે મહિલાના દીકરાને અને પતિને પણ વીડિયો મોકલીને પરેશાન કરવાનું શરુ કર્યું હતું.
વિગતો અનુસાર, પ્રકાશે મહિલા સાથેના વીડિયોને વાયરલ કરી દીધા હતા. જેના કારણે મહિલા સમાજમાં ક્યાંય મોઢું બતાવવા લાયક નહોતી રહી. આ મામલે પરિણીતા દ્વારા પોલીસની શી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેણે મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેમને ટ્રેનર સામે ફરિયાદ નોંધાવવા માટે સમજાવી હતી. પોલીસે સહકાર અને હિંમત આપતા મહિલા ફરિયાદ માટે તૈયાર થઈ જતાં મૂળ મહારાષ્ટ્રના અને હાલ વડોદરામાં સ્વિમિંગ શીખવી રહેલા ટ્રેનર પ્રકાશ શિમ્પી સામે વેરાવળ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી.
વેરાવળ પોલીસે ફરિયાદ નોંધાયા બાદ ઝડપથી કાર્યવાહી કરીને વડોદરાથી પ્રકાશને પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઈમ ઉપરાંત દુષ્કર્મ આચરવા સહિતના ગુના નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.