ભારતમાં કોરોના વાયરસે બીજી લહેર સાથે મચાવેલા આતંકે આખા દેશમાં જનજીવનને મોટાપાયે પ્રભાવિત કરી દીધું છે. કોરોનાની આ મહામારીમાં આજે દેશની આરોગ્ય વ્યવસ્થા પણ ખાડે જઈ ચુકી છે. આવા સમયે જાહેર પરિવહન, ઉધ્યોગો અને વેપાર ધંધાને માઠી અસર પહોંચી રહી છે. છેલ્લાં પાંચ મહિનાથી રેલવે દ્વારા લાંબા અંતરની અને વિશેષ ટ્રેન શરુ કરવામાં આવી હતી. જેમાં કોવિડની ગાઈડલાઈનના પાલન સાથે ટ્રેન દોડાવાતી હતી. પરંતુ ટ્રેન સેવા પર હવે કોરોનાની બીજી લહેરની અસર પડી રહી છે. દિલ્હી, મુંબઈ, પુણે તથા બેંગ્લોર જેવા મોટા શહેરોમાંથી અત્યાર સુધી લાખો પ્રવાસીઓ પ્રવાસ ખેડીને વતન પહોંચી ગયા છે. તે ઉપરાંત મોટાભાગના સ્થળોએ લોકડાઉનની સ્થિતિ છે. તેથી સામાજિક કે આર્થિક લાભ માટેના કામ માટે પણ જવુ મુશ્કેલ બન્યું છે. કોરોનાને કારણે સર્જાયેલી સ્થિતિમાં હવે લોકો બહારગામ કે અન્ય શહેરોમાં જવાનું ટાળવા માંડ્યા છે.
જેની સીધી અસર રેલવેની આવકના ગ્રાફ પર દેખાઈ રહી છે. અપુરતા મુસાફરો સાથે દોડતી કેટલીય ટ્રેનને કારણે રેલવેને મોટી ખોટ સહન કરવી પડી રહી છે. આથી રેલવે મંત્રાલયે ફરી કેટલોક સમય વિશેષ ટ્રેનોને બંધ રાખવા નિર્ણય કર્યો છે. જેમાં દિલ્હીથી ઊપડતી ૨૮ ટ્રેનોને રદ કરાઇ છે. આ ટ્રેનમાં રાજધાની, શતાબ્દી, દૂરંતો અને વંદે ભારત જેવી વિશેષ ટ્રેનનો પણ સમાવેશ થાય છે.
અ જ રીતે પૂર્વ રેલવેએ બુધવારે ૧૬ ટ્રેન રદ કરવાની જાહેરાત કરી હતી. જયારે ઉત્તર રેલવે દ્વારા ગુરુવારે ૨૮ ટ્રેન રદ કરી નાંખી હતી. આમ એકલા ઉત્તર રેલવે વિભાગમાં જ બે દિવસમાં કુલ ૪૪ ટ્રેન રદ કરાઈ હતી. આ પ્રદેશમાં આઠ જોડી શતાબ્દી, બે જોડી દૂરંતો, બે જોડી શતાબ્દી અને એક જોડી વંદે ભારત તથા એક જોડી જન શતાબ્દી એક્સપ્રેસ રદ કરવાનો નિર્ણય કરાયો છે. ૯થી ૧૨ તારીખ સુધી આ ટ્રેનો હાલ પૂરતી સ્થગિત છે પણ જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી આ ટ્રેન પાટા પર નહીં દોડશે તેવી સ્પષ્ટતા પણ કરી દેવાઈ છે. આ સિવાય અન્ય ટ્રેનો જે ચાલે છે અને લોકોની મદદ માટે ચલાવાય રહી છે.