રાજ્યમાં આઇપીએસની બદલીને લઈ ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના તમામ આઇપીએસ અધિકારીઓને તેમની હાલની જગ્યાએથી બદલી અન્ય જગ્યાએ જવાબદારી સોંપવામાં આવશે તેવી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. આને લઇને સરકાર પણ તૈયારી કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જો કે, પહેલા વાયબ્રન્ટ ગુજરાત સમીટ અને ત્યારબાદ કોરોનાની ત્રીજી લહેરે બદલીઓ અટકી હતી. જો કે હવે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે ગમે તે સમયે આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર નીકળશે તે પાકું થઇ ગયું છે. ગુજરાત સરકારના સૂત્રો જણાવી રહ્યા છે કે, આખી યાદી તૈયાર છે, ફક્ત જાહેરાત કરવાની જ વાર છે.
ગુજરાતમાં હાલ લગભગ 70 આઇપીએસની બદલીઓ થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ પણ લાંબા સમયથી આ બદલીઓને લઈ રાહ જોઈ રહ્યા છે. ગુજરાત પોલીસ બેડામાં પણ બદલીને લઇને ભારે ઉત્સુકતા છે કે તેમના ક્ષેત્રમાં ક્યાં નવા અધિકારી આવશે? પોલીસ મથકો અને કચેરીઓમાં આ અંગે ચર્ચાઓ તેજ બની છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જેઓ 1991 બેચના આઈપીએસ અધિકારી છે, તેઓને ગાંધીનગરમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ સંભવિત ગાંધીનગરના આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવ રાજકોટ પોલીસ કમિશનર તરીકે મુકાય શકે છે. તેમની સાથે સુરત રેન્જ આઇજી રાજકુમાર પાંડિયનના નામની પણ ચર્ચા છે. આઇપીએસ બદલીઓની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે. જોકે ટ્રાન્સફર અટકી પડી હતી પરંતુ હવે આઇપીએસ બદલીઓની જરૂર જણાય રહી છે કેમકે ગુજરાતમાં આ વર્ષે જ ચૂંટણી યોજાઇ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ 70થી વધુ આઇપીએસ અધિકારીઓની બદલીનું લિસ્ટ સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે જેમાં ગૃહ વિભાગથી લઈ મહાનગરોમાં પોલીસ કમિશનર,જિલ્લા એસપી,રેન્જ આઇજી,ડીસીપી સહિતના અધિકારીઓની બદલીના હુકમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવી પણ શક્યતા છે કે, બે તબક્કામાં બદલીના ઓર્ડર નીકળી શકે છે.