કોવિડ-૧૯ સામેના જંગમાં ગુજરાત આરોગ્ય વિભાગે ૧૫ હજાર વેક્સિનેટર સાથે ૭૫ હજાર કર્મચારીઓને વેક્સિન આપવા ટ્રાયલ રન કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૃપે સોમવાર અને મંગળવારે ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં સૌથી પહેલા ટ્રાયલ રન કરાશે. આ માટે તંત્ર દ્વારા તૈયારી શરૃ કરી દેવાઈ છે. આઈસ લાઈન્ડ રેફ્રિજરેટર- ILRથી લઈને તેના કેરિયરની કોલ્ડચેઈનનો પ્રોટોકોલ તેમજ ડેટા એન્ટ્રી, જરૃરિયાતવાળા નાગરિકોને સેશન સાઈટ અંગે SMSથી જાણ, તેમને લાવવા, બેસાડવા, ડેટા એન્ટ્રી કરવા સહિતની હાથ ધરાનારી પ્રક્રિયાની સમીક્ષા થઈ રહી છે.આ અંગે આરોગ્ય કમિશનરે જય પ્રકાશ શિવહરેએ કહ્યું હતુ કે, આરોગ્ય વિભાગે રાજ્યમાં વેક્સિનેશન માટે સર્વેની ૯૮ ટકા કામગીરી પૂર્ણ કરી છે. ડેટા કલેક્શનના પ્રાઇમરી રિપોર્ટમાં ૫૦ વર્ષથી વધુ વયના ૧ કરોડ ૧ લાખ નાગરિકોની યાદી તૈયાર છે.
જ્યારે ૫૦ વર્ષથી ઓછી ઉંમર હોય પરંતુ ડાયાબિટીસ, બ્લડપ્રેશરથી લઈને હાર્ટ, કિડની, ફેફસાંની બીમારી ધરાવતા ૨.૬૧ લાખ નાગરિકોનું પણ લિસ્ટ તૈયાર કરાયું છે. આ તમામને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે. જો પૂરતી વેક્સિન ઉપલબ્ધ થશે તો એક મહિનામાં જ આ યાદીમાં સમાવાયેલા તમામનું વેક્સિનેશન થઈ જશે. શિવહરેએ વધુમાં જણાવ્યું હતુ કે, સોમવાર અને મંગળવારે ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં કોરોના વેકસિનેશન માટે ટ્રાયલ રન થશે. આ એક પ્રકારની રિહર્સલ છે, જેમાં પ્રાયોરિટી લિસ્ટમાં સમાવિષ્ટ નાગરિકોને બદલે હેલ્થ વર્કરોને બોલાવીને પ્રક્રિયા હાથ ધરાશે.