સુરત જિલ્લાના કામરેજના પાસોદરા ખાતે વન સાઇડ લવમાં પાગલ બનેલા 20 વર્ષીય યુવક ફેનિલ ગોયાણીએ 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરિયાનું ગળું કાપી જાહેરમાં રહેંસી નાખી હતી. યુવકે ગ્રીષ્માની માતા અને ભાઈની આંખ સામે જ તેમની વહાલસોયી દીકરીનું ગળું કાપી નાખ્યું હતું. જાહેરમાં બનાવ બનતાં તથા હત્યાનો વીડિયો ફરતો થતાં માત્ર સુરત જ નહિ આખા રાજ્યમાં અરેરાટી મચી જવા પામી હતી. એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીથી દીકરીને બચાવવા માટે પરિવારે અગાઉ એક-બે નહીં પરંતુ સાત-સાત વાર સમાધાનના પ્રયાસો કર્યા હતા. જો કે તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને સમાજના ડરે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી જેનું પરિણામ એ આવ્યું કે પરિવારે પોતાની દીકરી ગુમાવવી પડી હતી.
ગ્રીષ્માની હત્યા થઈ એ અગાઉ હત્યારો ફેનિલ સતત તેને હેરાન કરતો રહેતો હતો. હત્યારા ફેનિલથી છુટકારો મેળવવા પરિવારે ઘણી મથામણ કરી હતી. ફેનિલને સાતેક વાર ગ્રીષ્માના પરિવારે સમજાવવાની કોશીશ કરી હોવાનું કહેતાં પરિવારના સભ્યોએ કહ્યું હતું. જો કે પરિવારની બદનામી ન થાય એ માટે અંદરખાને આ સમજાવટના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. પોલીસની મદદ લઈએ તો પરિવારનું નામ ખરાબ થાય એ બીકથી ગ્રીષ્માનો પરિવાર ફરિયાદ કરવાનું ટાળતો હતો.
અતિસંવેદનશીલ બનેલી સુરતની આ ઘટના તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે કે દીકરીને રંજાડતા આવાં તત્ત્વોની સામે શરમમાં મુકાયા વગર જ પોલીસ ફરિયાદ કરીને સબક શીખવવો જોઈએ એવું જાગ્રત નાગરિકો અને સોશિયલ મીડિયામાં લોકો વાતો કહી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો પહેલા જ પોલીસ ફરિયાદ કરી દીધી હોત તો આજે દીકરી ગુમાવવી ન પડત. જો કે નસીબની સામે બધા જ મજબુર હોય છે. ગ્રીષ્માના પરિવારને સ્વપ્નેય વિચાર આવ્યો ન હતો કે આ ભુલ તેમની દીકરીનું કારણ બનશે.