સોમવારે શેરબજાર કડકા સાથે મોટાભાગના શેર લાલ નિશાન પર બંધ રહ્યા બાદ મંગળવારે કારોબારની શરૃઆત મંગલમય રહી હતી.
શેરબજાર સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારની શરૃઆત તેજી સાથે થઈ હતી. સોમવારે ભારે કડાકાથી રોકાણકારો અને બ્રોકરો ચિંતામાં હતા. પરંતુ મંગળવારે શરૃઆતી તેજીથી તેઓને હાશ થઈ હતી. જો કે, હાલ મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં સેનસેકસ લીલા નિશાન સાથે ખુલ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ મંગળવારે દિવસ શરૃ થતાં જ બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 166.03 પોઇન્ટની મજબૂતી સાથે 45719.99 ઉપર દેખાયો હતો. જયારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 51.10 પોઇન્ટની મજબૂતી સાથે 13379.50ના સ્તરે ખુલ્યો હતો. આ સાથે જ આઇશર મોટર્સ, એચસીએલ ટેક, ડિવીઝ લેબ, શ્રી સિમેન્ટ અને હિરો મોટોકોર્પના શેર લીલા નિશાન પર દેખાતા રોકાણકારોને હાશકારો અનુભવાયો હતો. આઇઓસી, ટાઇટન, બ્રિટાનિયા, ઓએનજીસી અને અદાણી પોર્ટ્સના શેર પણ લાલ નિશાને ખુલ્યાં હતા. સેક્ટોરલ ઇન્ડેક્સમાં મીડિયા સિવાયના ફાર્મા, આઈટી, એફએમસીજી, ધાતુઓ, ફાઇનાન્સ સેવા, પીએસયુ બેંકો, બેંકો, ખાનગી બેન્કો, રિયલ્ટી અને ઓટો જેવા તમામ ક્ષેત્રોના શેર લીલા નિશાને રહ્યા હતા.