અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રવિવારે સવારે સુપ્રીમ કોર્ટની બે જજ મહિલા પર અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ગંભીર ઈજા પામેલી બંને મહિલા જજના મોત નિપજયા હતા. ઘટનાને પગલે સમગ્ર રાજધાનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાનની સીમાને અડીને આવેલા અફઘાનિસ્તાનમાં હત્યા, મારપીટ, લૂંટ જેવી ઘટના સામાન્ય છે. અહીં તાલીબાનો ઘણાં સમયથી આતંક મચાવી રહ્યા છે. અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે સમાધાન માટે પ્રયાસો છતાં ગુનાખોરી ઘટી રહી નથી. આ અગાઉ વર્ષ 2017માં અફઘાનિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં હુમલો થયો હતો. વર્ષ 2017માં બનેલી એક ઘટનામાં એક બોમ્બરે કોર્ટ પરિસરમાં પોતાને ઉડાવી દઈ બ્લાસ્ટની ઘટનાને અંજામ આપ્યો હતો. આત્મઘાતી આ હુમલામાં 20 લોકોના મોત નિપજ્યા હતા. જયારે 41 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આતંકવાદીઓ દ્વારા હવે આફઘાનિસ્તાનમાં મોટા આગેવાનો, નેતાઓ તથા હાઈપ્રોફાઈલ લોકોને નિશાન બનાવવાનું શરૃ કરી દેવાતા અજંપાની અને સતત ભયની સ્થિતિ છે. દરમિયાન રવિવારે સવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં કથિત આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો. જેમાં સુપ્રિમ કોર્ટની બે મહિલા જજને નિશાન બનાવાઈ હતી. અફઘાનિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં 200 મહિલા જજ ફરજ બજાવી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે કાબૂલમાં રહેતી બે જજ મહિલા પર અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેને કારણે બંને જજને ગંભીર ઈજા થઈ હતી. સુપ્રીમ કોર્ટના પ્રવક્તા અહેમદ ફહિમ કાવિશે ઘટનાની પૃષ્ટિ કરતા જણાવ્યું હતુ કહ્યું કે, બંને મહિલા જજ કોર્ટના વાહનમાં બેસીને તેમની ઓફિસે જઇ રહી હતી તે સમયે અચાનક હુમલો થયો હતો. આ હુમલામાં ગોળીઓ ચલાવાતા ઘવાયેલી બંને મહિલા જજના મોત થયા છે. આ સાથે જ તેમના વાહનના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો છે. હાલ આ મહિનામાં જ કાબુલ અને અફઘાનિસ્તાનની રાજધાનીના અન્ય શહેરોમાં અગાઉથી પ્લાનિંગથી થયેલા હુમલાઓમાં ઘણા જાણીતા નેતા, પત્રકારો, માનવ અધિકાર કાર્યકરો, ડૉકટરો અને સરકારી વકીલોને મોતને ઘાટ ઉતારાયા છે. રવિવારે બનેલી ઘટનાની જાણ થતાં જ કાબુલ પોલીસની ટીમ સ્થળ પર ધસી ગઈ હતી. જે બાદ પોલીસે હુમલાની પુષ્ટિ કરી છે. અફઘાનિસ્તાનની સરકારે આવા હુમલાઓ પાછળ તાલિબાનનો હાથ હોવાનો આરોપ મુક્યો હતો. બીજી તરફ કોઈ પણ આંતકવાદી સંગઠનોએ આ હુમલાની જવાબદારી લીધી ન હતી.