ભારતમાં કોરોનાની બીજી લહેરમાં અઠવાડિયા પહેલા જ આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરેલી સંભાવના સાચી પડી છે. હવે ઉત્તર પ્રદેશના કોરોનાની ઘાતક અસરો સાથે દરરોજ હજારો લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોનાની આ મહામારી ગ્રામ્ય વિસ્તારમાં હાહાકાર મચાવી રહી છે. શુક્રવારે મહામારી કેટલી હદે તબાહી મચાવી રહી છે તેનો ચિતાર હમીરપુર જિલ્લામાંથી વહેતી યમુના નદીની તસવીરો પરથી મળી રહ્યો છે. યમુના નદીમાં શુક્રવારે સ્થાનિકો તથા તંત્રના અધિકારીઓએ અનેક માનવલાશને તરતી જોઈ હતી. આ તમામ લાશ કોરોનાગ્રસ્તોની હોવાનો તર્ક પણ હાલ તંત્ર અને લોકોમાં ચાલી રહ્યો છે. બીજી તરફ યુપીના ગ્રામ્ય વિસ્તારોમાં હવે કેટલાક ખેતરોમાં જ મૃતકોના અંતિમ સંસ્કાર થઈ રહ્યાના અહેવાલો છે. આ અંગેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના આડેધડ સંક્રમણ સાથે જ સ્થિતિ બદતર બની ચુકી છે. પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે લોકો ટપોટપ મરી રહ્યા છે.
ગામડામાં અપુરતી આરોગ્ય સુવિધા અને સંસાધનોનો અભાવ હોવાથી દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મળી રહી નથી. તેથી કોરોનાને કારણે મરનારાઓની સંખ્યા વધી રહી છે. યુપીના ગામડામાં કોરોના કેવો કેર વર્તાવી રહ્યો છે તેનો અંદાજો ગત રોજ હમીરપુર જિલ્લામાં યમુના નદીમાં તરતી અનેક લાશો પરથી લગાવી શકાય છે. સુત્રોના જણાવ્યા મુજબ કોરોનાથી મોતને ભેટનાર લોકોના અંતિમ સંસ્કાર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. પ્રશાસન દ્વારા મૃતકોના અગ્નિસંસ્કાર કરવા માટે પણ કોઈ આયોજન કે વ્યવસ્થા સુદ્ધા ગોઠવાઈ નથી. તેને કારણે હવે કોરોનાથી મૃત્યુ થાય તો તેના સ્વજનો યમુના નદીમાં જ લાશને છોડી રહ્યા છે. શુક્રવારે યમુના નદીમાં અચાનક અનેક માનવલાશો તરતી જોઇને સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. જે બાદ સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે પણ યમુના નદીમાંથી તરતી લાશને બહાર કાઢી તેના અંતિમ સંસ્કાર કરવાની દીશામાં કામગીરી આરંભી હતી.
મીડિયાના અહેવાલો મુજબ કાનપુર અને હમીરપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે. હમીરપુર જિલ્લમાંથી પસાર થતી યમુના નદીના ઉત્તરના કિનારે કાનપુર છે અને દક્ષિણના કિનારે હમીરપુર છે. વળી આ વિસ્તારના લોકો યમુના નદીને મોક્ષદાયિની નદી માને છે. તેથી હવે અંતિમસંસ્કાર ન થઈ શકે તેવા સંજોગોમાં લાશને નદીમા પ્રવાહિત કરી રહ્યા છે. ઘટના બાદ હમીરપુરના ASP અનુપ કુમારસિંહે જણાવ્યું છે કે, તેમના પ્રભારીએ સ્થળ પર પહોંચીને તપાસ કરી ત્યારે નદીમાં અનેક લાશ દેખાય હતી. આ સમયે બે મૃતદેહો ટ્રેક્ટરમાં લવાયા હતા. જેમને યમુનામાં પધરાવવામાં આવ્યા હતા. આ ખૌફનાક ઘટનાના સાક્ષી સ્થાનિક બાળકો પણ છે. બાળકો કહે છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઘણા મૃતદેહો આ રીતે નદીમાં પ્રવાહીત કરવામાં આવી રહ્યા છે.
વધુમાં મળતી વિગતો મુજબ ઉત્તરપ્રદેશના અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના તરખાટ મચાવી રહ્યો છે. જેને કારણે અનેક મૃતકોના અંતિમસંસ્કાર ખેતરોમાં જ થઈ રહ્યા છે. યોગી સરકાર ભલે સબસલામતની આલબેલ પોકારતી હોય પરંતુ યમુના નદીમાં તરતી લાશો અને ખેતરોમાં થઈ રહેલા અંતિમસંસ્કાર સરકારના તમામ દાવાની પોલ ખોલી રહ્યા છે. સાથે જ યુપીની વર્તમાન સ્થિતિનો પરિચય આપી રહ્યા છે.