કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતાને પગલે ભારત આવતા નાગરિકોનો એરપોર્ટ પર જ કોરોના ટેસ્ટ કરાય છે, અત્યાર સુધીમાં 11 મુસાફરો કોરોના પોઝીટીવ હોવાનું જણાયું છે. ભારત સરકારે યુરોપના દેશોમાંથી આવતી તમામ ફ્લાઇટ ૨૩ ડિસેમ્બરથી રદ કરી છે. ઉપરાંત આ દેશોમાંથી ૨૫ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમિયાન આવેલા મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે. એટલું જ નહીં ૯મીથી ૨૩ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RTPCR ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા હોય, તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો RTPCR ટેસ્ટ કરાવ્યો હતો, તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
૨૫ નવેમ્બર થી ૮ ડિસેમ્બર દરમિયાન આવા ૫૭૨ મુસાફરો યુ.કે યુરોપથી રાજ્યમાં આવેલા છે. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો ૯ થી ૨૩ ડિસેમ્બર દરમિયાન ૧૧૪૮ વ્યક્તિઓ યુરોપિયન દેશોમાંથી ગુજરાતમાં આવ્યા છે તેમના RTPCR ટેસ્ટમાં અમદાવાદ-૪, વડોદરા-૨, આણંદ-૨, ભરૂચ-૨ અને વલસાડ-૧ વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.