વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આવેલા પ્રસિદ્ધ ઉનાઈ માતાજી મંદિર અને ગરમ પાણીના કુંડ દર્શનાર્થે હજી ખોલવામાં નથી આવ્યા. હવે ગ્રામ પંચાયતના એલાનના પગલે ઉનાઈ-ખંભાળિયા બજાર સંપૂર્ણ પણે બંધ રહ્યા હતા. વાંસદા તાલુકાના ઉનાઈમાં આવેલા અને વિસ્તારના જનતા માટે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે એવા ઉનાઈ મંદિરને હજી પણ ભક્તો માટે ખોલવામાં આવ્યું નથી. આ લોકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલા લગભગ તમામ મંદિરો ખુલી ગયા હોવા છતાં ઉનાઈ મંદિરને શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું નથી. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી મંદિર ખોલવા માટે માંગ કરવામાં આવી છે.
આ સાથે અનંત પટેલે ચીમકી પણ આપી હતી કે જો બે દિવસમાં મંદિર અને કુંડ ખોલવામાં નહિ આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. જો કે હજી મંદિર ખોલવાને લઇને કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. સ્થાનિક રોજગારીને આર્થિક અસર અને ભક્તોની નારાજગી વચ્ચે ઉનાઈ- ખંભાળીયા ગ્રામ પંચાયત દ્વારા મન્દિર અને કુંડ તાત્કાલિક ધોરણે ખોલવાની માંગ કરવામાં આવી હતી અને તંત્રને જગાડવા માટે આજે ઉનાઈ-ખંભાળીયા બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનું એલાન કર્યું હતું. આ એલાનને પગલે આજરોજ ઉનાઈ-ખંભાળીયા બજાર સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યું.