• Mon. Mar 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

ભાડા કરાર વિના ઘરોમાં ભાડુઆત રાખતા હો તો સાવધાન, વલસાડ પોલીસે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યુ

હાલ ગુજરાત પોલીસ દ્વારા વિવિધ ડ્રાઇવ ચલાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં થતી ગુનાખોરીમાં ગુનેગારો પરપ્રાંતના હોવાનું ઘણાખરા કેસોમાં સામે આવતું હોય છે. તેને લઇને ગુજરાત પોલીસે રાજ્યમાં આવેલી ચાલીઓના રૂમ ભાડા કરાર કર્યા વગર, પોલીસ NOC અને ચાલીમાં ભાડુઆતોની સુરક્ષા માટે CCTV કેમેરા લગાવ્યા વગર રૂમ ભાડે આપનાર ચાલી માલિકો સામે લાલ આંખ કરી છે. પોલીસ દ્વારા આ મામલે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે વલસાડ સીટી પોલીસે ચેકીંગ કરતા વલસાડના મોગરાવાડી અને અબ્રામા વિસ્તારમાંથી 1-1 ચાલી સંચાલકો નિયમનો ભંગ કરતા ચાલી માલિકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અલગ અલગ રાજ્યોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ચાલીઓમાં રહેતા હોવાનું એક સર્વેમાં સામે આવ્યું હતું. આ સર્વે બાદ રાજ્ય પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી ચાલી સંચાલકો અને રૂમ ભાડે આપતા મકાન માલિકોનું સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ ચેકીંગ કરવાંમાં આવી રહ્યું છે. ચાલી સંચાલકોએ ચાલીઓમાં રહેતા ભાડુઆતોની સુરક્ષાને ધ્યાને લઈને CCTV કેમેરા લગાવવા, ચાલી મલિક અને ભાડુઆત વચ્ચે ભાડા કરાર હોવો ફરજિયાત છે. રાજયમાં મકાન માલિકે નજીકના પોલીસ મથક પાસેથી ભાડુઆતની NOC મેળવવા સહિત ડોક્યુમેન્ટ હોવા પણ ફરજિયાત છે.

વલસાડ સીટી પોલીસની ટીમે પોલીસ ઇન્સપેક્ટર ડી ડી પરમારના નેતૃત્વમાં વલસાડના મોગરાવાડી અને અબ્રામા વિસ્તારમાં આવેલી કેટલીક ચાલીઓમાં આકસ્મિક તપાસ કરી હતી. મોગરાવાડી પદાર દેવી માતાના મંદિર પાસે રહેતા દર્શનભાઈ મહેશભાઈ પટેલની ચાલીમાં આવેલા 12 રૂમ પૈકી 8 રૂમ અલગ અલગ પરિવારના સભ્યોને ભાડે આપવામાં આવ્યા છે. ચાલીમાં CCTV કેમેરા વગર ભાડુઆત સાથે ભાડાનો એગ્રીમેન્ટ કર્યા વગર અને પોલીસ NOC મેળવ્યા વગર રૂમ ભાડે આપવામાં આવ્યા હતા. અબ્રામા વિસ્તારમાં રામ નગર વિસ્તારમાં આવેલી પંકજ સુરેશચંદ્ર ત્રિપાઠીની ચાલીમાં પણ 4 રૂમ પૈકી તમામ રૂમ અલગ અલગ પરિવારના સભ્યોને ભાડે આપવામાં આવ્યા છે. પંકજ ભાઈની ચાલીમાં પણ CCTV કેમેરા કે ભાડુઆત સાથે ભાડા કરાર કર્યા વગર રૂમ ભાડે આપવામાં આવ્યા હતા. વલસાડ સીટી પોલીસ પાસેથી ભાડુઆતની NOC મેળવ્યા વગર રૂમ ભાડે આપવા બદલ વલસાડ સીટી પોલીસ મથકે કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડ સીટી પોલીસે બંને ચાલી માલિકો સામે સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.