• Mon. Nov 4th, 2024

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

ગેમઝોન સંચાલકોની દિવાળી સુધરે તેવા સંકેત, ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું

રાજકોટના ગેમઝોનમાં થયેલી આગ દુર્ઘટના બાદ સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગેમઝોન બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. ગેમઝોન ચલાવતાં સંચાલકોને હવે થોડી રાહત થઇ છે. સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે તેના કારણે ગેમઝોન સંચાલકોની દિવાળી સુધરે તેવી શક્યતા રહેલી છે. સુરત પાલિકા કેટલાક દિવસથી ગેમઝોનની સાઈટ વિઝીટ કરી ફાઈલ પર કામગીરી કરી રહી છે. આ કામગીરી જોતા દિવાળી પહેલાં ગેમઝોન શરૂ થાય તેવી શક્યતા વધી રહી છે.

રાજકોટ ગેમઝોન કરુણાંતિકા બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતના ગેમઝોન સીલ કરી દેવાયા હતા. ગેમઝોન સંચાલકો દ્વારા વારંવાર શાસકો અને પાલિકા તંત્રને રજુ કરીને ગેમ ઝોનના સીલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સરકારના નિયમોને કારણે પાલિકાએ સીલ ખોલ્યા ન હતા. હાલમાં સરકાર દ્વારા ગેમિંગ ઝોનની મંજૂરી/સીલ ખોલવા માટેના નિયમોમાં આપેલી છુટ-છાટ આપી છે. સુરત પાલિકા અને પોલીસ સાથે મળીને સંકલન કરીને સુરત પાલિકા છેલ્લા ચાર-પાંચ દિવસથી ગેમઝોનની સાઈટ વિઝીટ કરી રહી છે.

નવા નિયમો મુજબ હયાત સાઇટ પરથી જરૂરી દબાણો દૂર કરવા અને સંપૂર્ણ ખાતરી થયેથી પોલીસ વિભાગે અભિપ્રાય મોકલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, હાલમાં સરકારના નિયમના આધારે શોપિંગ સેન્ટર, શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ સિનેમા, ક્લબ, રિસોર્ટ તથા અન્ય મનોરંજનના વિસ્તારમાં કાર્યરત તમામ ગેમિંગ ઍક્ટિવિટી એરિયાને પણ, જો અગાઉ બાંધકામ સહિત જરૂરી સરકારી મંજૂરી મેળવી હોય, તો નવા નિયમોમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. હાલ જે કામગીરી થઈ રહી છે તેના કારણે દિવાળી પહેલા સુરતમાં ગેમ ઝોન શરૂ થાય તેવી શક્યતા વધી રહી છે.