ભાવનગર શહેરમાં આવેલ વિવિધ વિસ્તારોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં બારસો શિવ મહાદેવ વાડી ખાતેડ પેવિંગ બ્લોક તેમજ રસ્તાને પેવર રિકાર્પેટિંગનું કામ, જી.આઇ.ડી.સી. (ગુરુકુળ થી સત્યનારાયણ) હાદાનગર બોક્સ ડ્રેનેજનું કામ, સત્યનારાયણ સોસાયટી રામાપીરનાં મંદિર પાસે પેવિંગ બ્લોકનાં કામ, સર્વોદય સોસાયટી સરકારી સ્કૂલનાં દરવાજા પાસેથી રબ્બર વોલ્ટેડનાં બ્લોકનાં કામ, અક્ષરપાર્ક રોડથી મેલડી માં ના મંદિર સુધી રોડનાં કામ, અમર સોસાયટી ખાતે બ્લોકનાં કામ, મારૂતિનગર કુંભારવાડા સર્કલ કબ્રસ્તાન સામે આર.સી.સી. રોડનાં કામ, રામજીની વાડી આર.સી.સી. રોડનાં કામ, ફુલસર-સીદસર રોડનાં પેવર બ્લોકનાં કામ, મધુવન ઓદરકા વસાહત ખારા વિસ્તાર ખાતે બ્લોકનાં કામ સહિત અનેક વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ધનતેરસના દિવસે વિકાસના અભૂતપૂર્વ કામો થકી વિકાસનું એક નવું પુષ્પ અંકિત કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોચાડવા માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સીધી ગ્રાન્ટ મહાનગરપાલિકાઓને પહોંચતી કરી છે. જેનાથી શહેરના તમામ વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, સંવેદનશીલ સરકાર દ્વારા ડબલ ઉર્જાથી નવીનતમ વિકાસના કર્યો હાથ ધરાયા છે. ગરીબ અને પછાત વિસ્તારમાં પણ નવીનતમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. નળ, ગટર, રસ્તાઓ સહિતની તમામ સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી કરી છે. આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા, મ્યુનિસિપલ કમીશ્નર એન.વી.ઉપાધ્યાય, વિસ્તારનાં કોર્પોરેટર-આગેવાનો તેમજ વિસ્તારનાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.