કોરોનાને કારણે લદાયેલા પ્રતિબંધોમાં 10 મહિનાથી દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણનું ચલણ વધ્યું છે. ત્યારે આ સિસ્ટમની સાથે સાથે બાળકોને પોર્ન સાઈટ જોવાનો ચસ્કો લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં આ ખુલાસો થયો છે. સરવેના તારણમાં સ્પષ્ટ રીતે જણાયું છે કે, ઓનલાઈન શિક્ષણ સાથે બાળકોમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. જેથી કેટલાય બાળકો કે જે તરૃણવસ્થામાં છે તેઓ હવે પોર્નસાઈટ જોવા લાગ્યા છે. મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર પાસે આવા કેટલાક કિસ્સા આવ્યા છે. કોરોના કાળમાં માનવજીવન શૈલીમાં મોટો બદલાવ આવ્યો છે. ભારત સહિતના વિકાશશીલ દેશોમાં પણ વર્કફ્રોમ હોમ તથા ઓનલાઈન કામકાજ જેવી પદ્ધતિનું ચલણ વધ્યું છે. મોટાભાગના લોકો હવે સહેલાયથી ઓનલાઇન પ્રવૃત્તિ તરફ જ વળ્યા છે. શિક્ષણ પણ ઓનલાઈન આપવામાં આવી રહ્યું છે. પરંતુ ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે જોખમી હોવાનું જણાય રહ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ધારા દોશી અને વિદ્યાર્થિની ભૂમિકા ડોબરીયાએ કરેલા સર્વેમાં બાળકોના હિતને જોખમમાં મુકતી કેટલીક વાતો અને તથ્યો બહાર આવ્યા છે. સરવેમાં નીકળેલા તારણો મુજબ ઓનલાઇન શિક્ષણની આડમાં તરૂણ બાળકોને પોર્ન સાઈટ જોવામાં રસ જાગ્યો છે. નેશનલ તેમજ ઇન્ટરનેશનલ રિપોર્ટમાં નોંધવામાં આવ્યુ છે કે, લોકડાઉન દરમિયાન ઇન્ટરનેટ પર પોર્ન સાઈટ વધુ સર્ચ થઈ હતી. ભણવાના બહાને સતત મોબાઈલ હાથમાં હોવાથી બાળકો નેટ પર તમામ ચીજવસ્તુઓ કે વિષયોની શોધખોળ કરવા માંડ્યા છે. તરુણ બાળકો દ્વારા પોર્ન સાઈટ જોવાતા માતા-પિતા માટે પણ ચિંતા વધે તેમ છે. સોશિયલ મીડિયાના વધતા જતા ઉપયોગને કારણે માતા પિતાએ પણ તેના બાળક પર ખાસ નજર રાખવી જોઈએ. સામાન્ય રીતે બાળકોને મોબાઈલ આપીને વાલીઓ જવાબદારી નિભાવ્યાનો સંતોષ માની લે છે. વાલીઓ સમજે છે કે, મોબાઈલ પર તેનું બાળક શિક્ષણ મેળવે છે કે ઈન્ટરનેટથી વિવિધ વિષયો પર જાણકારી મેળવે છે. પરંતુ વાલીઓની આ બેદરકારીનું પરિણામ ગંભીર આવી શકે છે. વાલીઓ આ બાબતે પુરતી તકેદારી રાખે તે આવશ્યક બન્યું છે. બાળકોને ધીરજ અને શાંતિથી સમજાવી મોબાઈલના વ્યસનથી દૂર રાખવા સાથે ઈન્ટરનેટનો ઉપયોગ સારા કામ માટે કરવા અનુરોધ થવો જોઈએ. જોકે જરૂર પડ્યે કડક વલણ અપનાવું પણ યોગ્ય છે.