પ્રધાનમંત્રી દ્વારા “દરેક ગુજરાતી થશે આયુષ્યમાન, સૌને મળશે પી.એમ.જે.એ.વાય-મા યોજના હેઠળ આયુષ્યમાનનું વરદાન” અંતર્ગત ગુજરાત રાજ્યનાં તમામ તાલુકા મથકે, નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્ડ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રીય આયુષમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને મંગલભુવન, વઢવાણ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તે જ શ્રેણીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ કાર્યક્રમ યોજાયો હતો. …આ કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને રૂ. ૫ લાખ સુધીની સારવારનો લાભ ઉપલબ્ધ કરાવતી અને વિશ્વની સૌથી મોટી આરોગ્ય કવચ યોજના કહી શકાય તેવી પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ યોજના અમલમાં મૂકી લોકોને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે. આ કાર્ડ હેઠળ રાજ્યની ૨૭૩૯ હોસ્પિટલોમાં ૨૭૧૧ પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસિજરનો લાભ મળે છે. રાજ્યમાં ૫૦ લાખથી વધુ પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ કરવામાં આવશે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે ૧ લાખથી વધુ કાર્ડનું વિતરણ કરવામાં આવશે. રૂ.૧૩૬ કરોડના ખર્ચે તૈયાર થનાર આયુર્વેદ હોસ્પિટલ સંલગ્ન કોલેજની ભેટ બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોને આરોગ્યની ચિંતામાંથી મુક્ત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં દરેક પરિવારને રૂ. ૫ લાખની સારવારનું કવચ અને કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં જિલ્લામાં નવી કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવામાં આવશે, જેથી જિલ્લામાં શિક્ષણની સુવિધા બહેતર બનશે. ખૂબ જ ટૂંકા સમયગાળામાં સુરેન્દ્રનગર શહેરમાં સીટી બસની સુવિધા ચાલુ થશે જેથી શહેરમાં પરિવહનની સુવિધા અને લોકોની સુખાકારીમાં વધારો થશે. ….કાર્યક્રમની શરૂઆતમાં સરકારની સિદ્ધિઓ વર્ણવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. જિલ્લા કલેકટર કે.સી. સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને આરસીએચઓ ડો. પી.કે. શ્રીવાસ્તવ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, જિલ્લા પંચાયત સદસ્ય મંગુબેન ડાભી, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, વઢવાણ પ્રાંત અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર ડી.આઇ. ભાગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.