રવિવારે યોજાયેલી ગુજરાતના ચાર મહાનગરોની ચૂંટણીમાં આશા કરતા ઓછું મતદાન નોંધાયું હતુ. રાજકીય પક્ષોના પ્રચાર વચ્ચે ચૂંટણી પંચે ખાસ કોઈ પ્રયાસો ન કરતા મતદાન ઓછુ થયું હતુ. મોટાભાગના નાગરિકોને તેની સ્લીપ સુદ્ધા પહોંચી ન હતી. રવિવારે વડોદરાના એક યુવાને લોકો મતદાન માટે અનોખી ઓફર આપી હતી. વડોદરામાં લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા મત આપનારને મફત પાણીપુરી ખવડાવી હતી. સવારથી બપોર સુધી લોકો મતદાન કરવા માટે પોતાના ઘરમાંથી નીકળ્યા ન હતા. તેથી રાજકીય પક્ષોની ચિંતા પણ વધી ગઈ હતી. ભાજપ નેતાઓ અને હોદ્દેદારો તથા કાર્યકરોએ મતદારોને તેડવા પડ્યા હતા.
દરમિયાન વડોદરાના પરેશ રામચંદાની કે જેઓ સ્નાતક છે. હવે બીએફ પાણીપુરી સ્ટોલ ચલાવી તે પોતે રોજગારી મેળવે છે. તેમણે નાગરિકોને મતદાન કરવાની અપીલ અનોખી રીતે કરી હતી. તેણી વડોદરાના મતદારોને પાણીપુરી ખવડાવી હતી. જે માટે પૈસા લીધા ન હતા. ફક્ત તમારી આંગળી પરનું મતદાન કર્યાંનું ચિહ્ન બતાવ્યા બાદ મફત પાણીપુરી ખાવાની અનેક લોકોએ મઝા માણી હતી. ગોરવા સુભાનપુરા રોડ પર આ સ્ટોલ આવેલો છે. બપોરે 2 વાગ્યે શરૂ થયો હતો. પરેશ રામચંદાનીએ જણાવ્યું હતું કે, એક મતદાર તરીકે તમને વધુ સારા શાસન માટે મત આપવાનો અધિકાર છે. મેં આ ઓફર દ્વારા જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું છે. બુથ પર જાઓ અને જો તેમને કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો નોટા બટન દબાવો, પરંતુ, મતદાન અવશ્ય કરો.