ભારતમાં લોકડાઉન પછીના સમયગાળામાં આપઘાતના કિસ્સા સામાન્ય થઈ ગયા છે. કોઈ કિસ્સામાં ઘરકંકાસ તો કોઈક કિસ્સામા આર્થિક તંગી તેના મુખ્યકારણો તરીકે બહાર આવી રહ્યા છે. હાલમાં ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં બનેલી આપઘાતની ઘટનાએ અરેરાટી મચાવી છે. જેમાં એક મહિલાએ નજીવી બાબતે પોતાના જ 3 બાળકો સાથે ઝેરીલો પદાર્થ ખાઈ લેતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે એક બાળક અને માતાનુ મોત થઈ ગયું હતુ. જયારે અન્ય બે માસૂમો હજી મોત સામેનો જંગ લડી રહ્યા છે. ઘટનાને પગલે સમગ્ર દેવરિયા જિલ્લામાં અટકળોનો દોર પણ શરૃ થઈ ગયો છે.
ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, બરહજ વિસ્તારના કટઈલવા ગામમાં બુધવારે મોડી રાતે રામાશંકર નિષાદના પુત્ર આનંદની પત્ની રંગીતા ભોજન કર્યા બાદ રૂમમાં ગઈ હતી. જે બાદ પોણા બાર વાગ્યે રામાશંકરના ઘરમાંથી બૂમાબૂમ આવતી આસપાસના લોકોને સંભળાઈ હતી. આખરે સ્થાનિકોએ અવાજ સાંભળીને રામાશંકરના ઘર તરફ દોટ મુકી હતી. સ્થાનિક રહિશો આનંદ રામાશંકરના ઘરે પહોંચ્યા ત્યારે આનંદની પત્ની રંગીતા અને તેનો 10 વર્ષીય પુત્ર જયરામ, 6 વર્ષીય પુત્ર શિવરાજ અને 4 વર્ષનો પુત્ર રામરાજના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું નજરે પડતું હતુ. આ સાથે જ તે તમામની તબિયત પણ કાંઈ સામાન્ય લાગતી ન હતી.
જે બાદ સ્થાનિકો રહિશોએ શિવરાજને પુછ્યું તો તેણે તેની માતાએ તમામ બાળકોને કોઈ કડવો પદાર્થ ખવડાવ્યો હોવાનું તેણે જણાવ્યું હતુ. આખરે સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને મહિલા તથા તેના 3 બાળકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા બાદ ડૉક્ટરોએ મહિલા રંગીતા સહિત બાળકોની તપાસ કરી હતી. જેમાં રંગીતાને તબીબોએ મૃત જાહેર કરી દીધી હતી. જ્યારે 3 બાળકોની હાલત ગંભીર હોવાથી જિલ્લા હૉસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યા હતા.
જિલ્લા હૉસ્પિટલ પહોંચતા જ શિવરાજનું પણ મોત થઈ ગયું હતુ. જયારે અન્ય બે બાળકોની જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓની હાલત ત્યાં કટોકટ હોવાનું બહાર આવ્યું છે. માતા-પુત્રના મોતથી ગામમાં ગમગીની ફેલાઈ ગઈ છે. ઘટના બાદ પોલીસે તપાસ કરતા બહાર આવ્યું કે, આનંદ નિષાદની પત્ની રંગીતા કેટલાક સમયથઈ મંગળસૂત્ર માંગી રહી હતી. જે ન મળતાં રંગીતા નારાજ ચાલી રહી હતી. અને તેને કારણે જ તેણીએ આ પગલું ભ્યું હતુ. રમાશંકરના 3 પુત્રોમાંથી સૌથી નાના પુત્ર અંબુજના 9 મેના રોજ લગ્ન ગોઠવાયા છે. રવિવારે પરિવારે લગ્નપ્રસંગ માટે ખરીદી કરી હતી. આ સમયે રંગીતાએ પોતાના માટે મંગળસૂત્રની માંગણી કરી હતી. જયારે પરિવારે તેની લગ્ન નજીક આવે ત્યારે તે ખરીદીશું તેમ કહ્યું હતુ. જો કે, રંગીતાની જીદ હતી કે મંગળસુત્ર તેને અત્યારે જ અપાવવામાં આવે. બસ આ જ વાતે તેને માઠુ લાગતા અંતિમ પગલું ભરી દીધું હતુ.