કોરોનાને કારણે બે વર્ષથી મુશ્કેલીમાં મુકાયેલા ધંધા ઉદ્યોગો અને જનજીવનને કારણે એક તરફ નોકરીઓ ઘટી ગઈ છે, વેપાર ધંધાની સ્થિતિ હજી થાળે પડી નથી ત્યાં હવે બીજી તરફ એક આઈટી કંપની 1 લાખ લોકોને નોકરી આપવાની દીશામાં ઝડપથી આગળ વધી રહી છે. આઈટી કંપની cognizant દુનિયાભારમાંથી અનુભવી એવા 1 લાખ પ્રોફેશનલ્સને તેની કંપનીમાં સમાવવા માંગે છે. કંપનીના સીઈઓ બ્રાયન હમ્ફ્રીઝે આ વિશે ફોડ પાડતા કહ્યું કે cognizant આ વર્ષે ઉમેદવારોની ભરતી કરનાર છે. જેમાં હાલ આઈટી સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા અને અનુભવી ઉમેદવારોને તક આપવામાં આવશે. અત્યાર સુધીમાં અમારી કંપનીએ 30 હજાર નવા બિનઅનુભવી ઉમેદવારોની ભરતી કરી દીધી છે. કંપની આ વર્ષના અંત સુધીમાં 45 હજાર બિનઅનુભવી ઉમેદવારોને નોકરીમાં સમાવી કર્મચારી બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.
અમેરિકામાં સ્થિત cognizant કંપનીના કુલ કર્મચારીના લગભગ 2/3 માત્ર ભારતમાં છે. એપ્રિલથી જૂન સુધી કંપનીના આશરે 31 ટકા કર્મચારી કંપનીથી અલગ થયા છે. જેમાંથી લગભગ 29 ટકા લોકોએ પોતાની મરજીથી નોકરી છોડી છે. કંપનીએ આશરે 4700 લોકોની ભરતી કરી છે. cognizantમાં નોકરી છોડનારની સંખ્યા અન્ય કંપનીઓથી વધુ છે. કંપનીના ભારત સ્થિત ડિજિટલ બિઝનેસ અને ટેક્નોલોજી એકમના ચેરમેન રાજેશ નામ્બિયાર કહે છે કે, ફ્રેશર્સની ભરતીની સાથે-સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે હાલ આ માગ કેવી રીતે પૂરી થશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં ડિજિટલ માગ વધતા 150 અબજ ડોલરની કંપની હવે શ્રેષ્ઠ લોકોને નોકરી આપવા ઈચ્છે છે. જેને કારણે કર્મચારીઓના પગાર પણ વધશે. cognizant સેલેરી પેકેજ વધારી શકે છે.