ગુજરાતમાં રસીકરણ કાર્યક્રમમાં વિઘ્ન આવી રહ્યું છે. રસીના અપૂરતા જથ્થાને કારણે સોમવારે વલસાડ જિલ્લામાં મોટાભાગના રસીકરણ કેન્દ્રો પર વેક્સિનેશન બંધ રહ્યું હતુ. આવા સંજોગોમાં હજારો લોકોને વેકસીન લીધા વગર જ પરત ઘરે આવવું પડ્યું હતુ. સરકારી દવાખાના ખાતે કોવિશિલ્ડ રસીના ડોઝ નહીં પહોંચતા આ સ્થિતિ સર્જાઈ હતી. રાજ્ય સરકાર તરફથી રવિવારે રાત્રે વલસાડ જિલ્લા માટે કોવિશિલ્ડના પુરતા ડોઝ નહીં આવ્યા અંગે જાણ કરાઈ હતી. તેને પગલે વલસાડ જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા સોમવારે રસીકરણનો કાર્યક્રમ સ્થગિત કરી દેવાયો હતો. જો કે, આ બાબતની જાણ આમજનતાને થઈ ન હોવાથી હજારો લોકો રસીકરણ કેન્દ્રો પર પહોંચી ગયા હતા. જયાં કોવિશિલ્ડ રસીના તમામ કેન્દ્રો બંધ જોઈને તેઓમાં નારાજગી ફેલાઈ હતી. વલસાડ જિલ્લાના રસીકરણ કેન્દ્રો ઉપર કોવિશિલ્ડ રસી મુકાવવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે. વલસાડ જિલ્લામાં માત્ર સોમવારે જૂજ રસીકરણ કેન્દ્રો ઉપર જ ફક્ત કોવેકસીન આવી હતી. તેથી તે રસી લેવા માટે નોંધણી કરાવનારા લોકોને જ રસી મુકવાનો નિર્ણય કરાયો હતો. વલસાડ જિલ્લામાં સોમવારે રસીકરણ કેન્દ્રો ઉપર ઘણાં લોકોની અવરજવર રહી હતી. રસીકરણ બંધ હોવાનું જણાયા બાદ અનેક લોકોએ તંત્ર અને સરકારના આયોજન પર પસ્તાળ પાડી હતી.
વલસાડ જિલ્લામાં સોમવારે રસીનો જથ્થો ન હોવાથી વેક્સિનેશન થઈ શક્યું ન હતુ. વળી આરોગ્ય વિભાગે પણ આ વિશે કોઈને જાણ કરી ન હતી. ઉપરાતં બીજા દિવસે પણ રસી આવશે કે કેમ તે અંગે મોડી સાંજ સુધી આરોગ્ય વિભાગના અધિકારીઓ કંઈ પણ કહી શક્યા ન હતા. લોકોની પુછતાછ વેળા અધિકારીઓ રસીનો જથ્થો આવે એટલે રસીકરણ પૂન: શરૂ કરવામાં આવશે તેવું રટણ કરતા દેખાયા હતા. સોમવારે વેક્સિનેશન બંધ રહેતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. રાજય સરકારે વેક્સિનનો જથ્થો ન ફાળવતાં વેક્સિનેશન બંધ કરવાની નોબત આવી હતી. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં રસીકરણ કાર્યક્રમ શરુ થયાને માંડ આઠ દિવસ થયા છે. આ સાથે જ રસીકરણ માટે જાગૃતિ વધતા લોકો કેન્દ્ર સુધી પહોંચવા તૈયાર થયા છે. આવા સમયે વેકસીનના પુરતા ડોઝ ન આપવાની રાજ્ય સરકારની નીતિથી નારાજગી ફેલાઈ છે. આ સાથે જ સરકારના અણઘડ આયોજનનો ભાંડાફોડ પણ થયો છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સોમવારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. મળતી વિગતો મુજબ મંગળવારે જિલ્લાના 80 રસીકરણ કેન્દ્રો ઉપર કોરોના રસીકરણ કેમ્પ રાબેતા મુજબ શરૂ કરવાનો દાવો તો થઈ રહ્યો છે પરંતુ તે માટે રસીનો પુરતો જથ્થો આવશ્યક છે. સાત દિવસથી લોકો મોટી સંખ્યામાં વેક્સિનેશન માટે આવી રહ્યા છે. આવા સમયે રસીનો દૈનિક નક્કી કરાયેલો જથ્થો 100 ટકાની સામે 60 ટકા ઓછો આવ્યો છે. અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 4 લાખથી વધુ લોકો કોરોનાની રસી મુકાવી ચૂક્યા છે.