કોરોના સામેના જંગમાં વેકસીનેશન કાર્યક્રમમાં ઈઝરાયલ સતત ઝડપ અને ચપળતા રાખી છે. દુનિયાના અનેક દેશોમાં હજી પહેલા અને બીજા ડોઝ આપવાની કવાયત ચાલી રહી છે. ત્યાં ઈઝરાયેલમાં કોરોના વાયરસના વધતા કેસોને રોકવા વેક્સીનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કરાયું છે. બૂસ્ટર ડોઝનો કાર્યક્રમ શરૂ કર્યાના એક દિવસ પહેલા પીએમ બેનેટે કહ્યું હતું કે, ઈઝરાયલ દુનિયામાં કોરોના વેક્સીનનો ઉપયોગ કરનારા દેશોમાં અગ્રેસર છે. અત્યાર સુધીમાં ઈઝરાયલમાં 93 લાખની વસ્તી સામે 57 ટકા લોકોને વેક્સીનના બંને ડોઝ અપાઈ ચુક્યા છે. 60 ર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ આંકડો 87 ટકાનો છે.
ઈઝરાયલમાં હવે ત્રીજો ડોઝ આપવાનો કાર્યક્રમ ચાલુ થાય તે પૂર્વે 2000 લોકોને ત્રીજો ડોઝ અપાઈ ગયો છે. દરમિયાનમાં વેક્સીનની કોઈપણ ગંભીર અસર હજી સુધી કોઈપણ વ્યક્તિ પર જોવા નથી મળી. મળતી વિગતો મુજબ ઈઝરાયલે વેક્સીનો ત્રીજો ડોઝ 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને જ આપવાનો નિર્ણય લીધો છે. ઈઝરાયલે લોકોને આપવામાં આવતો બૂસ્ટર શોટ બાકી દેશો માટે એક સ્ટડીનું પણ કામ કરશે. તેનાથી મળેલા અનુભવોથી અમેરિકા સહિત બીજા દેશ પણ શીખી શકશે. ત્રીજા ડોઝના અભિયાનની શરૂઆત ઈઝરાયલના પ્રેસિડન્ટ ઈસહાક હર્ઝોગે ત્રીજો ડોઝ લઈને કરી હતી. તેમણે હર્ઝોગે તેલ અવીવની પાસે આવેલા રમત ગનના શેબા મેડિકલ સેન્ટરમાં ફાઈઝર બાયોએનટેકની કોવિડ વેક્સીનનો બૂસ્ટર ડોઝ લીધો હતો.
ઈઝરાયલના પ્રેસિડન્ટની સાથે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નફ્તાલી બેનેટ પણ ઉપસ્થિત હતા. તેમણે 60 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને કોરોના વાયરસ વેક્સીનની ત્રીજો ડોઝ લેવાનો આગ્રહ પણ કર્યો. ઈઝરાયલના પીએમએ એમ પણ કહ્યું કે, ‘ઈઝરાયલ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સીનનો ત્રીજો ડોઝ શરૂ કરનારો પહેલો દેશ છે. કોવિડ મહામારી સામે લડાઈ એક વૈશ્વિક લડાઈ છે. કોવિડને હરાવવાની એકમાત્ર રીત એકજૂથ રહેવું તે છે.’ આ પ્રસંગે ઈઝરાયલના પ્રેસિડન્ટે કહ્યું કે, તેમને બૂસ્ટર વેક્સીનેશન ઈનિશિએટિવ શરૂ કરવા પર ગર્વ છે. મહામારીને દૂર કરવા અને જીવનને ફરી સામાન્ય બનાવવા શક્ય તમામ પ્રયાસો કરાશે. ઈઝરાયલના પ્રેસિડન્ટની સાથે તેમના પત્ની મીકલે પણ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો હતો.