વડોદરામાં આર્થિક ભીંસને કારણે સોની પરિવારના સભ્યોના સામૂહિક આપઘાત કેસમાં વધુ એખ વળાંક આવ્યો છે. અત્યાર સુધી આ કેસમાં મહત્વના અને ચોંકાવનારા ખુલાસા કરનારા ભાવિનનું પણ મોત થઈ જતાં કુલ મરણાંક પાંચ પર પહોંચ્યો છે. શનિવારે મૃતક નરેન્દ્ર સોનીના પત્ની દીપ્તિ સોનીનું બે દિવસની સારવાર બાદ મોત થયું હતુ. જયારે સામુહિક આપઘાતની આ ઘટનામાં અત્યાર સુધી પોલીસ સમક્ષ મહત્વના ખુલાસા કરતા રહેતા નરેન્દ્ર ભાઈ સોનીના પુત્ર ભાવિને પણ રવિવારે દમ તોડી દીધો હતો. આ સાથે જ હવે સોની પરિવારના 6 પૈકી માત્ર એક જ સભ્ય જીવીત રહ્યો છે. ગુરુવારે વડોદરામાં નરેન્દ્ર સોનીના પરિવારના સભ્યોએ સામુહિક ઝેરી પદાર્થ ખાધા બાદ 3 સભ્યોના તે જ દિવસે મોત થયા હતા. આ ઘટનાની તપાસ કરતી પોલીસ સમક્ષ પરિવારના સભ્ય ભાવિન સોનીએ કેફિયત રજૂ કરી હતી કે, સ્વાતી સોસાયટીમાં આવેલું મકાન રૂપિયા 40 લાખમાં વેચવા માટે અને એક સાથે દેવું ચૂકવવા માટે પિતા નરેન્દ્રભાઇ જ્યોતિષીના ઝાંસામાં આવી ગયા હતા. જેમાં વડોદરા, અમદાવાદ અને રાજસ્થાન પુષ્કરના જ્યોતિષી સહિત 9 જ્યોતિષીઓએ વિધી, વાસ્તુદોષ, ઘરમાં ખાડો ખોદીને દાટેલું ધન કાઢવા માટે રૂપિયા 32.25 લાખ જેવી મોટી રકમ પડાવી લીધી હતી
ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષી હેમંત જોષીને મકાન વેચાણની જાણ થતાં તેમણે નરેન્દ્રભાઈનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ તે ઘરે આવ્યો હતો. ઘરે આવેલા જ્યોતિષી હેમંત જોષીએ ઘરમાં તપાસ કરીને જણાવ્યું કે, તમને વાસ્તુદોષ નડે છે અને તમારા ઘરમાં ગુપ્ત ધન દાટેલું છે. જે ખાડો ખોદીને કાઢવું પડશે. તે માટેની વિધિ માટે 35 હજાર રૂપિયા લીધા હતા. બીજી તરફ પિતાએ આ રમક માટે અશોકભાઇ મિસ્ત્રી પાસેથી 23.50 લાખ લીધા હતા. જે બાદ બાનાખાત અને વાયદા મુજબ તે રકમ આપી શકાય તેમ ન હતી. તેથી પિતા નરેન્દ્રભાઈ તણાવમાં આવી ગયા હતા. આખરે પિતાના કહેવાથી પરિવારે ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લેવાનો નિર્ણય કર્યો હતો. ભાવિનના આ ખુલાસા બાદ પોલીસની તપાસને નવી દીશા મળી હતી. જો કે, તે પોતે 3 દિવસથી મોત સામે ઝઝૂમી રહ્યો હતો. આખરે રવિવારે સવારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ. વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે ગુરુવારે કરેલી સામૂહિક આત્મહત્યામાં પરિવારના મોભી નરેન્દ્ર સોનીએ આખા પરિવારને કોલ્ડ ડ્રીંકમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું હતુ. જે બાદ નરેન્દ્ર સોની, તેમની દીકરી તથા પૌત્રનું મોત નિપજ્યું હતું. જયારે પુત્ર ભાવિન સોની, પુત્રવધુ ઉર્વી અને નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તી સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમયે સાસુ-વહુની હાલત ગંભીર બની હતી. દિપ્તી સોનીના શનિવારે થયેલા મોત બાદ ભાવિને પણ દમ તોડી દેતા આ કેસમાં મોતનો આંકડો 5 ઉપર પહોંચ્યો હતો.