સયાજીપુરામાં ચૂંટણીના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વાઘોડિયાના ભાજપના ધારાસભ્યએ ફરી એકવાર વિવાદિત નિવેદન કર્યું હતુ. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પહેલાથી જ તેમના વાણી વર્તનને લઈને વિવાદમાં ફસાતા રહે છે. ગત અઠવાડિયે એક મીડિયાકર્મીને મારવાની ધમકી બાદ મધુશ્રીવાસ્તવ સામે કલેકટર અને પોલીસ સુધી રજૂઆતો થઈ છે. આ પહેલાં પુત્રને ભાજપમાંથી ટીકીટ ન મળવા તથા અપક્ષ ઉમેદવાર તરીકેને ફોર્મ રદ થવા મુદ્દે કચેરીમાં પણ આ ધારાસભ્યોના સમર્થકોએ તોડફોડ કરી હતી. દરમિયાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન બહાર આવ્યું છે. મધુ શ્રીવાસ્તવ મીડિયા કે તંત્રને ધમકાવવામાં પંકાયેલા છે.
વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના માટે પ્રચાર કાર્યક્રમોની શરૂઆત થઈ છે. બુધવારે વડોદરા જિલ્લા પંચાયતની સયાજીપુરા બેઠકના કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ અપેક્ષિત હતા. છતાં મધુ શ્રીવાસ્તવને કાર્યકરોને સંબોધન કરવા તક અપાઈ હતી. જે બાદ ફરી તેમણે બેફામ વાણી વિલાસ શરૂ કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને સંબોધન દરમિયાન જાહેરમાં કહ્યું હતુ કે, કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું.” તેમના આ નિવેદનથી કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે, ભારતીય જનતા પાર્ટી સતત શિસ્તની વાતો કરતી રહે છે. જયારે ધારાસભ્યના વર્તનમાં તેવું કશુ દેખાયું ન હતુ. 10 દિવસ પહેલાં જ વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી વખતે ચૂંટણી અધિકારીની કચેરીમાં તેમના સમર્થકોએ બબાલ મચાવી હતી. આ ઘટનામાં પોલીસે કે પછી જીલ્લા વહીવટી તંત્રએ પોલીસ ફરિયાદ નોંધાવાની હિંમત સુદ્ધા કરી ન હતી. આ બાબત મધુશ્રીવાસ્તવની દબંગગીરી સામે તંત્રની નબળાઈનો પુરાવો આપી રહી છે.