વડોદરા જિલ્લામાં 50 દિવસથી લાપતા સ્વીટી પટેલના ચકચારી કેસમાં આખરે સનસનાટીભર્યો ખુલાસો થઈ ગયો છે. આ કેસમાં પોલીસ તપાસના ધમધમાટ વચ્ચે સ્વીટીના પતિ અજય દેસાઈએ જ પોતે સ્વીટીની હત્યા કર્યાનું કબૂલ્યું છે. આ સાથે જ સ્વીટીની લાશને સગેવગે કરવા તેણે પોતાના એક કોંગ્રેસી મિત્રની મદદ લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. આજથી 50 દિવસ પહેલાં 4 જૂનની રાતે અજય દેસાઇ અને સ્વીટી પટેલ વચ્ચે લગ્ન મુદ્દે તકરાર થઈ હતી. જે બાદ 5 જુને અજયે ગળુ દબાવીને સ્વીટીની હત્યા કરી મૃતદેહ મકાનના ઉપરના બેડરૃમમાં મુકી દીધો હતો. જે બાદ મોડી સાંજે લાશને અજય દેસાઈએ કારની લાશ ડેકીમાં મુકી હતી. સ્વીટીની લાશને સગેવગે કરવા માટે જેણે 5 જુને જ પોતાના કોંગ્રેસી મિત્ર કિરીટસિંહની મદદ લઈ અજય અટાલીના બંધ હોટલ પાછળ જઈ લાશ સળગાવી દીધી હતી. જયારે આ ઘટના બાદ 6 જુને અજયે તેના સાળા જયદીપને સ્વીટી ગુમ થઈ હોવાની ફોન પર જાણ કર્યા બાદ11 જુને તેના ભાઈએ કરજણ પોલીસ સ્ટેશનમાં બહેન ગુમ થયાની જાણ કરી હતી.
જો કે, આ ઘટનાથી દુનિયાને અંધારામાં રાખવા માંગતા અજય દેસાઈની કરતૂતનો ભાંડો ફુટી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ટીમે અગાઉ પી.આઇ. એ.એ.દસાઇના કરજણ સ્થિત પ્રયોશા સોસાયટીમાં આવેલા મકાનનું પંચનામું કર્યા બાદ શુક્રવારે ફરી મકાનની ઝીણવટભરી તપાસ કરતાં પી.આઇ. દેસાઇના મકાનના બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. તેથી એફએસએલની મદદ લઇ તે લોહી સ્વીટીનું છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ તપાસનો ધમધમાટ જોઈને આખરે પીઆઈ દેસાઇએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ સ્વીટીની હત્યા પોતે જ કર્યાની કબૂલાત કરી લીધી હતી. દેસાઇએ પોલીસને જણાવ્યું હતુ કે, તેણે 2016માં સ્વીટી પટેલ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2017માં અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તે બંનેને સાથે રાખી શકે તેમ ન હતો. આખરે તેણે સ્વીટીની હત્યા કરવાની યોજના ઘડી તેને અંજામ આપ્યો હતો. સ્વીટી પટેલની મોડીરાતે ઠંડે કલેજે હત્યા કર્યા બાદ લાશને ઠેંકાણે પાડવાનું ઓપરેશન દેસાઇએ ૧૬ કલાક બાદ હાથમાં લીધું હતું. આધારભુત સૂત્રોના કહેવા મુજબ, તા.5 જુને સાંજે 5 વાગે દેસાઇ કારમાં મૃતદેહને નાંખી અટાલી ખાતેની અવાવરૃ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં પહેલાથી જ તેનો મિત્ર કિરીટસિંહ હાજર હતો. દેસાઇએ નજીકમાં પડેલાં લાકડા ઉઠાવી તેનો ઢગલો કર્યો હતો. જેના પર સ્વીટીના મૃતદેહને મુકી જ્વલનશીલ પ્રવાહીની મદદથી સળગાવી દીધો હતો.