વલસાડના ગુંદલાવમાં આવેલી ડેમોસા કેમિકલ્સ પ્રા.લી. ફરી એક વખત વિવાદમાં છે. આ કંપનીએ કામદારો સાથે દગો, છેતરપિંડી, વિશ્વાસઘાત કરી કંપની દ્વારા માલિક સ્થાપિત યુનિયન સાથે ગેરકાયદેસર સમાધાનમાં દબાણ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કંપનીના કામદારોએ પગારવધારા અને અન્ય લાભો અંગે માંગ કરી હતી. જો કે કંપનીએ પોતા જ યુનિયન ઉભું કર્યુ હોવાનો આક્ષેપ કામદારોના યુનિયન વતી ગુજરાત મઝદુર સભાના સેક્રેટરી બિપિનભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગેની ફરિયાદ કંપનીના માલિક અને ફેક્ટરી મેનેજરને કરવામાં આવી છે. ઉપરાંત આ ફરિયાદની નકલ મદદનીશ શ્રમ આયુક્ત, નાયબ શ્રમ આયુક્ત અને ગાંધીનગરમાં રાજ્ય શ્રમ આયુક્તને રવાના કરવામાં આવી છે. ગુજરાત મઝદૂર સભા દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો 48 કલાકમાં કામદારોના યુનિયન સાથે સમાધાન નહીં કરવામાં આવે તો હડતાળ કરવામાં આવશે.
ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે કામદારોની બળજબરીપૂર્વક સહી લઇને સમાધાન થયું હોવાનું જાહેર કર્યુ છે જો કે અમારા યુનિયન સાથે કોઇ સમાધાન કરવામાં આવ્યું નથી. આ મામલે કામદારો યુનિયનની સાથે હોવાનું બહુમતી પણ સાબિત કરવામાં આવી હતી જેમાં સમાધાન અધિકારી વલસાડ પણ હાજર રહ્યા હતા. સમાધાન અધિકારીએ પણ ગુજરાત મઝદૂર સભા સાથે સમાધાન કરવા અંગે કંપનીને જણાવ્યું હતું. જો કે કંપનીએ તેના બદલે ગુજરાત રાજ્ય કામદાર સભા યુનિયન કે જેની બહુમતી ન હોવા છતાં સમાધાન સ્વીકારવા ધાકધમકી અને દબાણ કર્યુ હતું. કામદારોને સમાધાન કાગળ પર સહી નહીં કરે તો નોકરી પરથી કાઢી મુકવામાં આવશે તેવી ધમકી આપી હતી.
ગુજરાત મઝદૂર સભાએ કંપનીના આ કૃત્યનો વિરોધ દર્શાવ્યો છે અને આક્ષેપ કર્યો છે કે કંપનીએ અયોગ્ય મજૂર પ્રથા આચરી છે અને તેથી યુનિયન દ્વારા કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.