વલસાડ જિલ્લાના ધરમપુર નજીકમાં આવેલા ધામણી ગામે જંગલ ખાતાએ ચેકપોસ્ટ ઉભી કરી છે જેથી ગેરકાયદેસર જતા લાકડાના જથ્થાને પકડી શકાય. જો કે અહીના બે કર્મચારીઓ તો લાકડાની સુરક્ષા સાથે સાથે પોલીસની પણ કામગીરી બજાવી રહ્યા હોવાનો ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાત્રી દરમ્યાન અહીંથી આવતા જતા રેજાલું અને જલાઉ લાકડા વાહન કરતા વાહનો રોકીને તેમની પાસેથી આ કર્મચારીઓ ઉઘરાણી કરતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

તાજેતર ના એક અઠવાડિયામાં બંને કર્મચારીઓ દ્વારા ૩ લાખ કરતા વધુ રકમનું ઉઘરાણું કર્યું હોવાનું કેટલાક ભોગ બનનારા લોકો જણાવી રહ્યા છે. હાલમાં જ એક બાઈક ઉપર ત્રણ બોટલ દારૂ લઇને જતા બાઈક ચાલકને રોકી તેને ધમકાવીને 60 હજાર રૂપિયાનો તોડ કરી લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ધરમપુર જંગલ ખાતાના રેંજમાં ધામણી ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા બે કર્મચારી જે બી રાઠોડ અને નીકુંજ નામના કર્મચારી ફોરેસ્ટ ખાતામાં તો ફરજ બજાવતા ની સાથે સાથે પોલીસ ની પણ ફરજ અદા કરી રહ્યા હોવાનું આ રીતે સામે આવ્યું છે.
આ બંને કર્મચારીઓ અહીંથી આવતા જતા લોકોને રોકીને રોકડી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. તેમનો શિકાર બનેલા અનેક લોકો હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ હોન્ડાની સાઈન બાઈક ઉપર રાત્રે ચેકપોસ્ટ પાસેથી દારુની ચાર બોટલ લઇ ને જતા યુવક ને રોકી તેને ધાક ધમકી આપી ને 60 હજાર રૂપિયા કઢાવી લીધા હતા. જલાઉ લાકડા ખાલી કરી ને પરત થઇ રહેલા એક ટેમ્પોને અટકાવીને તેમાં ભરેલા કેટલાક જલાઉ લાકડાના છોડા જોતા તેમને ધમકાવીને તેમજ ચોરીના લાકડા લઇ જાવ છો એમ કહી ને 50 હજાર જેટલી રકમ ઉસેટી લીધી હોવાની જાણકારી મળી હતી.
બીજી તરફ એક ભરેલા ટેમ્પો ચાલક પાસે 80 હજાર જેટલી માતબર રકમનું ઉઘરાણું કરી લીધું હોવાની પણ એક ઘટના બની હતી. એક ઇક્કો કાર ચાલકને રોકીને તેની પાસે પણ 1.10 લાખ જેટલી રકમ કઢાવી લીધી હોવાની જાણકારી મળી રહી છે વળી હાલ માં જ એક પીકઅપ ચાલક પાસે થી ૪૦ હજાર ની રકમ નું ઉઘરાણું કર્યું હોવાનું સ્થાનિકો અને ભોગ બનેલા લોકો જણાવી રહ્યા છે.
આ બંને જંગલ ખાતા ના કર્મચારીઓ કોની હેઠળ આવ રીતે પોલીસની કામગીરી કરી સામાન્ય વાહન ચાલકોને મુસીબતમાં મુકી રહ્યા છે ત્યારે સમગ્ર બાબતે વલસાડ જીલ્લા ડીએફઓ તપાસ કરાવે એ જરૂરી બન્યું છે.