Headlines
Home » વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

Share this news:
  • કુલ ૮૦ ન્યૂઝ સ્ટોરીઓમાંથી જજીસ દ્વારા ૨૪ સ્ટોરી પસંદ કરી પત્રકારોને એવોર્ડ એનાયત કરાયા
  • વિકાસના કાર્યો ત્યારે જ સાકાર થાય કે જ્યારે પત્રકારો અને સમાજ સાથે હોયઃ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
  • સમાજમાં સેવાકીય કાર્યોની મહેક પ્રસરાવનાર વ્યક્તિ વિશેષનું પણ સન્માન કરવામાં આવ્યું

    વલસાડ પત્રકાર વેલ્ફેર એસોસિએશન દ્વારા મીડિયા કર્મીઓ અને વિશેષ પ્રતિભા ધરાવતા સમાજસેવીઓ અને ખેલાડીઓનું સન્માન કરવાનો મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ તા. ૧૧ જૂને રવિવારે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટના અતિથિ વિશેષ તરીકેની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વલસાડ શહેરના પત્રકારો દ્વારા ચાલતી અને સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા પત્રકાર વેલ્ફેર એસોસિએશન વલસાડ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મીડિયા એવોર્ડ પ્રતિયોગિતા યોજવામાં આવે છે. પત્રકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતી આ પ્રતિયોગિતામાં વલસાડ જિલ્લાના પત્રકારોની સાથે સાથે સેવા, સાહિત્ય, સ્પોર્ટ્સ, આર્ટ સહિતના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનારાઓનું પણ વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. મીડિયા એવોર્ડ માટે જિલ્લામાંથી કુલ ૮૦ ન્યૂઝ સ્ટોરીઓ આવી હતી. જજ તરીકે ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ અને ઇન્ડિયા ટીવીના એસોસિએટ એડિટર નિર્ણય કપૂર દ્વારા જુદી જુદી કેટેગરીઓમાં સ્ટોરીઓ સિલેક્ટ કરી ૨૪ વિજેતાઓ જાહેર કરાયા હતા. જેઓને એવોર્ડ એનાયત કરાયા હતા.

આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, આજે પત્રકારો અને સમાજમાં સેવાભાવી કાર્યો કરતા વ્યક્તિ વિશેષોનું સન્માન કરવાનું કાર્ય સમાજ અને પત્રકારો વચ્ચેનો સુંદર સેતુ બની રહેશે. આ એવોર્ડ વિતરણ બદલ પત્રકાર વેલ્ફેર એસો.ની ટીમને અભિનંદન પાઠવુ છું. સાથે વલસાડ જિલ્લાના પત્રકારો પણ અભિનંદનને પાત્ર છે કે જેઓએ કોઈ સ્ટોરીને અવળા માર્ગે લઈ જવાનું કામ કર્યુ નથી. પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે વાત થતી હોય ત્યારે તેમણે પણ વલસાડ જિલ્લાના પત્રકારોને બિરદાવી કહ્યું છે કે, ઈન્વેસ્ટીગેશનને અસર થાય તેવા સમાચારો પત્રકારોએ પ્રસારિત કર્યા નથી.

વિકાસના કાર્યો ત્યારે જ સાકાર થાય કે જ્યારે પત્રકારો અને સમાજ સાથે હોય. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ ભારતને નવુ ભારત અને વિશ્વમાં નંબર વન બનાવવા માટેની પહેલ કરી છે ત્યારે પત્રકારો વિકાસના કામોમાં ત્રુટી દર્શાવે તે પણ મહત્વનું છે. ગુજરાતના જાણીતા લેખક અને પ્રખર વક્તા એવા નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગ્રુપ એડિટર અજય ઉમટે વલસાડ જિલ્લાના પત્રકારોના સંપને બિરદાવી એવોર્ડ માટે પોઝિટિવ સ્ટોરીની કેટેગરી શરૂ કરી તે અંગે અભિનંદન પાઠવી જણાવ્યું કે, પોઝિટિવ જર્નાલિઝમ શબ્દ આપણા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દેન છે.

વધુમાં તેમણે ભરૂચ પાસે એક દિકરીના ઓપરેશન માટે કિડની વેચવા રઝળતા પિતાની સ્ટોરી અખબારમાં પ્રસિધ્ધ કર્યા બાદ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવી રીતે તે દીકરીની મદદ કરી અને તેને નવુ જીવન આપ્યુ તે અંગેના પોઝિટિવ પત્રકારત્વનું દ્રષ્ટાંત આપ્યું હતું. સાથે જ પત્રકારોને શીખ આપી કે, ક્યારેય નરો વા, કુંજરો વા…ની નીતિ અપનાવવી નહી. પત્રકારોએ વિશ્વસનીયતા અને સત્યનિષ્ઠાને જાળવી રાખવી જરૂરી છે. એબીપી ન્યૂઝ ચેનલના મહારાષ્ટ્રના હેડ અને એબીપી વેર્સ્ટન રીજિયનના હેડ જિતેન્દ્ર દિક્ષીતે એવોર્ડ વિજેતા પત્રકારોને અભિનંદન આપતા જણાવ્યું કે, લોકોની જીંદગીમાં બદલાવ લાવવાનું કાર્ય પત્રકારો કરી રહ્યા છે. વર્તમાન સમયમાં પત્રકારોનું મનોબળ વધારવા માટે તેઓને પ્રોત્સાહન આપવુ ઘણું જ જરૂરી છે.

વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી.પટેલે જણાવ્યું કે, પત્રકારો પોતાનો ધર્મ નિભાવી અમને પણ જાગૃત રાખે છે. જે અંગેનું ઉદાહરણ આપતા વધુમાં તેમણે કહ્યું કે, તામછડી ગામમાં ૭૦ વર્ષ બાદ પણ લોકો તરાપાના આધારે નદી પાર કરતા હતા. જે અંગે સમાચાર છપાતા સરકારે રૂ. ૬ કરોડના ખર્ચે બ્રિજ બનાવ્યો હતો. પત્રકારના આ એક અહેવાલથી અનેક લોકોને જીવનભરની રાહત મળી હતી.

આ એવોર્ડ વિતરણ સમારોહમાં પત્રકાર વેલ્ફેર એસોસિએશન ઉપપ્રમુખ હસીન શેખ, પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખ, સેક્રેટરી મુકેશ દેસાઈ, જોઈન્ટ સેક્રેટરી વિજય યાદવ, ખજાનચી દિપક આહિર અને નવસારી જિલ્લા, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના તમામ પત્રકારો તેમજ વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષા સોનલબેન સોલંકી, એબીપી ન્યૂઝ ચેનલના મહારાષ્ટ્રના હેડ જિતેન્દ્ર દિક્ષીત, સંગઠનના જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, મીડિયા કન્વીનર દિવ્યેશ પાંડે અને સાઉથ ઝોન સંગઠન આઈટી ઈન્ચાર્જ પારસ દેસાઈ હાજર રહ્યા હતા.

સ્વાગત પ્રવચન પત્રકાર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ હર્ષદ આહિરે કર્યુ હતું. કાર્યક્રમની રૂપરેખા અપૂર્વ પારેખે આપી હતી. જ્યારે આભારવિધિ અક્ષય કદમે કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોટાપોંઢા કોલેજના પ્રોફેસર ડો.આશાબેન ગોહિલે કર્યું હતું.

પ્રિન્ટ મીડિયામાં કોને કોને એવોર્ડ મળ્યા

વલસાડ સિવિલ હોસ્પિટલમાં ત્રણ માસની માસુમ બાળકીને એક્સપાયર થયેલો બાટલો ચડાવી દેવાયો સ્ટોરી માટે ચેતન મહેતા(બેસ્ટ હ્યુમન સ્ટોરી 2), કપરાડામાં કુવા સૂકા એક ડોલ પાણી માટે કમરે દોરડા બાંધી કુવામાં ઉતરે છે મહિલાઓ માટે ફિરોઝ સિંધી(બેસ્ટ હ્યુમન સ્ટોરી-1) ને, સંદેશના અહેવાલ બાદ દાખલો મેળવવા સેલ્ફ ડેકલેરેશનની પ્રક્રિયાનો અમલ શરૂ કરાયો સ્ટોરી માટે ઉત્પલ દેસાઈ (બેસ્ટ ઇમ્પેક્ટ સ્ટોરી-2) ને, ધરમપુરના તામછડીમાં જીવવું હોય તો તરવું જરૂરી, તામછડીમાં રૂ. 5.80 કરોડના ખર્ચે બનશે બ્રિજ સ્ટોરી માટે રફીક શેખ (બેસ્ટ ઇમ્પેક્ટ સ્ટોરી 1), ગામની બે કંપનીઓ અને વાડીને લાભ અપાવવા આખો રસ્તો સરકારી રસ્તામાં ખપાવી દીધો સ્ટોરી માટે એ.ડી. ભંડારી (બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી ૨), છેલ્લા પાંચ વર્ષમાં નાણામંત્રી કરતાં પાણી પુરવઠા મંત્રીની આવકમાં વધારો સ્ટોરી માટે કેતન ભટ્ટ અને વલસાડ પાલિકાની કરોડોની આવક છતાં તિજોરી કાયમ ખાલીખમ સ્ટોરી માટે ઉત્પલ દેસાઈને બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી ૧ માં, પારડી તાલુકામાં 20 દિવસમાં 40 એકર જમીનમાં ૨૦ હજાર વૃક્ષો વાવી પંથકને હરિયાળો કર્યો સ્ટોરી માટે ઉજ્જવલ પટેલ (બેસ્ટ પોઝિટિવ સ્ટોરી-૨), ધરમપુરના ગુંદીયામાં બે શિક્ષકોએ સ્વખર્ચે છાત્રાલય નિર્માણનું બીડું ઝડપ્યું સ્ટોરી માટે ભરત પાટીલને (બેસ્ટ પોઝિટિવ સ્ટોરી ૧), ધરમપુરમાં શિક્ષણ યજ્ઞની સાથે ૪૭ વિધવા મહિલાઓને આત્માનિર્ભર કરતો જાગીરી આશ્રમ સ્ટોરી માટે મહેશ ટંડેલ (બેસ્ટ સોફ્ટ સ્ટોરી) પેટ કરાવે વેઠ: નાળિયેરની ઊંચાઈએ લટકી જોખમ ખેડતા શ્રમજીવીની ફોટો સ્ટોરી માટે મેહુલ પટેલ (બેસ્ટ ફોટો સ્ટોરી 3) હેડપંપ પંપિંગ કરતી બાળા અને ટબમાં બેસેલા બાળકનું કપરાડાના દ્રશ્ય માટે બાબુ ચૌધરી (બેસ્ટ ફોટો સ્ટોરી ૨) જીવન હોડીના સહારે કપરાડા સેલવાસ બોર્ડર ટાપુ પર રહેતા લોકો માટે વાહન વ્યવહારનું એકમાત્ર સાધન હોડી માટે હિમાંશુ પંડ્યા (બેસ્ટ ફોટો સ્ટોરી ૧) તથા અનોખા મંદિર: યહા હોતી હૈ વહેલ માછલી કી હડ્ડીઓ કી પૂજા સ્ટોરી માટે શ્યામજી મિશ્રા (યુનિક સ્ટોરી) ને એવોર્ડ પ્રાપ્ત થયા હતા.

ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોને કોને એવોર્ડ મળ્યા

અંધશ્રદ્ધા અસીમ શક્તિ માટે માસુમનો બલી ચડાવ્યો સ્ટોરી માટે બ્રિજેશ શાહ (બેસ્ટ હ્યુમન સ્ટોરી ૨), ધરમપુરના પેણધા ગામના લોકોએ જીવવું હોય તો તરવું જરૂરી સ્ટોરી માટે ઉમેશ પટેલ (બેસ્ટ હ્યુમન સ્ટોરી ૧), વલસાડમાં મોમાં રોકેટ લઈને ભાગતા યુવાનોને ઝડપી પાડ્યા સ્ટોરી માટે પ્રિયાંક પટેલ (બેસ્ટ ઇમ્પેક્ટ સ્ટોરી ૧), અસ્ટોલ જૂથ પાણી યોજના કેવી રીતે બનશે આશીર્વાદ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે મયુર જોશી (બેસ્ટ પોઝિટિવ સ્ટોરી ૨), લીલા લસણનું ગામ તિસ્કરી જ્યાં મહિલાઓ પાર્ટ ટાઇમ ખેતી કરી હજારો કમાય છે સ્ટોરી માટે તેજસ દેસાઈ (બેસ્ટ પોઝિટિવ સ્ટોરી ૧), વલસાડ નગરપાલિકાએ રૂ. 1.41 કરોડના ખર્ચે ૧૪ ટ્રેક્ટર ખરીદ્યા પણ ચલાવવા માટે ડ્રાઇવર નથી સ્ટોરી માટે ઉમેશ પટેલ (બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી ૨), વલસાડમાં 13 કરોડના ખર્ચે પાલિકાએ બનાવેલો મોલ શોભાના ગાંઠિયા સમાન સ્ટોરી માટે બ્રિજેશ શાહ (બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી ૧), મળો વલસાડના માચીસમેનને જેણે અત્યાર સુધીમાં 15 હજારથી વધુ માચીસ બોક્સ ભેગા કર્યા સ્ટોરી માટે અક્ષય કદમ (બેસ્ટ સોફ્ટ સ્ટોરી), એક સલૂન આવું પણ જેટલા ગ્રાહક તેટલા જ અસ્ત્રા અને કાતર સ્ટોરી માટે અક્ષય કદમ (યુનિક સ્ટોરી), ગુજરાત કે વલસાડ મે ભારી બારીસ સે આઇ બાઢ પૂરના દ્રશ્યો સ્ટોરી માટે કૌશિક જોશી (બેસ્ટ વિડીયો ફૂટેજ ૨), વલસાડના પુરમાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સ્ટોરી માટે બ્રિજેશ શાહ (બેસ્ટ વિડીયો ફૂટેજ ૧) ને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
બોક્ષ મેટર

વલસાડ જિલ્લાના વ્યક્તિ વિશેષને પણ એવોર્ડથી સન્માનિત કરાયા

વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારમાં જાગીરી હેમ આશ્રમથી શિક્ષણ, આરોગ્ય અને સેવાની મહેક ફેલાવનારા દંપતિ બાબલભાઈ ગાડર અને શીતલબેન ગાડર, અનેક એવોર્ડથી સન્માનિત થયેલા દમણગંગા ટાઈમ્સના નિવાસી તંત્રી વિકાસભાઈ ઉપાધ્યાય, જુદા જુદા અખબારોના કોલમિસ્ટ અને વક્તા વાપી ટુકવાડાનાં અંકિત દેસાઈ, ક્રિકેટમાં વલસાડ જિલ્લાનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કરનારા ઉમરગામ તાલુકાના નારગોલના ક્રિકેટર અર્ઝાન નગવાસવાલા, બેડમિન્ટનમાં અનેક ગોલ્ડ મેડલ મેળવી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારતનું નામ ગુંજતું કરનારા પૂજા મહેતા, વર્ષોથી વલસાડના મોગરાવાડીમાં દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી લોકોને પ્રોત્સાહિત કરનારા સાર્વજનિક વિજય મંડળ તથા કિકબોક્સિંગ, કરાટે જેવી રમતોમાં 6 વર્ષમાં 30 ગોલ્ડ મેડલ મેળવનારા વલસાડ ગુંદલાવના રહીશ અને વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી 13 વર્ષીય ધ્રુવ પટેલનું વલસાડ જિલ્લાનાં સ્પેશિયલ સીટીઝન તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

Share this news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *