રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે સાઈકલ રેલી તેમજ 1200 વિદ્યાર્થિનીઓએ માનવ સાંકળ રચી તિરંગો, ગુજરાતનો નકશો અને અશોક સ્તંભની રચના કરી..

વલસાડ જિલ્લામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પૂર્વે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે વલસાડના હાલર સર્કિટ હાઉસથી તિથલ બીચ સુધી સાઈકલ રેલી કાઢવામાં આવી હતી. બાદમાં તિથલ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ દ્વારા હ્યુમન ઇન્ડિયા ફ્લેગ, ગુજરાતનો નકશો અને રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ બનાવવા આવ્યો હતો. જેમાં એકતાના દર્શન થયા હતા.

તિથલમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વલસાડના કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ સ્ટેમ્પ ડેપ્યુટી કલેક્ટર શ્વેતાબેન પટેલ અને મહાનુભાવોએ હાજરી આપી હતી. તેઓએ આ પ્રસંગે સન્માન અને ગૌરવની ભાવના ઉમેરી આઝાદી અને પ્રગતિ તરફ આપણા રાષ્ટ્રની યાત્રાને યાદ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ ઉજવણીની વિશેષતા એ હતી કે, 1200 જેટલા વિદ્યાર્થીઓએ સુમેળભર્યા રંગોમાં સજ્જ થઈ માનવ પ્રતિકૃતિરૂપી તિરંગો, ગુજરાતનો નકશો અને રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભની અદભૂત રચના કરી હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક અધિકારીઓના સામૂહિક પ્રયાસથી એકતા, વિવિધતા અને દેશભક્તિના ભાવના દર્શન થયા હતા.