વલસાડ જિલ્લાના દેગામ ગામે સહકારી મંડળીના સંચાલકો અને GIDC ના કંપની સંચાલકો યુરિયા ખાતરના ગેરકાયદેસર વેચાણ -ખરીદીના કૌભાંડનો પર્દાફાશ કરી વલસાડ SOG એ 6 ની અટકાયત કરી છે. જો કે SOG ની ટીમ વધુ કાર્યવાહી કરે તે પહેલાં જ ગાંધીનગરથી ફોનની ઘંટડીઓ રણકતા વિગતવાર માહિતી આપવાનું ટાળ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રવિવારે દેગામ ગામમાં આવેલ ખાતરની સહકારી મંડળીની 100થી વધુ યુરિયા બેગ ભરેલો ટેમ્પો SOGની ટીમે ઝડપ્યો હતો. ટેમ્પોના માલિક મુકેશ આહીરની પૂછપરછ કરી યુરિયાનો જથ્થોની વિગતો મેળવી હતી. બાતમીના આધારે SOG ની ટીમે સહકારી મંડળીના સંચાલક પ્રવીણ પટેલ સહિત ગેરકાયદેસર યુરિયા સગેવગે કરવામાં સંકળાયેલાઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂતો માટેનું ખાતર વાપીની કંપનીઓમાં સગેવગે કરી કૌભાંડ કરનારાઓના રાજકીય મળતીયાઓએ ગાંધીનગરથી ફોન કરાવવાનું શરૂ કરતાં પોલીસ અવઢવમાં મુકાઈ ગઈ હતી.
આ ઘટના અંગે પોલીસે કૃષિવિભાગમાં જાણ કરી આ મામલે ક્યાંય કાચું ના કપાઈ જાય તેની કાળજી લઈ પકડાયેલો યુરિયાનો જથ્થો સહકારી મંડળીનો જ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ SOG એ આ કૌભાંડ અંગે મીડિયાને કોઈપણ પ્રકારની વિગતો આપવાનું ટાળી બુધવારે જિલ્લા પોલીસ વડા ની સૂચના મુજબ વિગતો આપવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા જિલ્લા પોલીસવડા અને વાપી ડિવિઝનના DYSPના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાની પોલીસ કોઈની પણ શહેશરમ રાખ્યા વિના કાયદાનો દંડો ઉગામતા અચકાતી નથી. ત્યારે ગેરકાયદેસર યુરિયા ખાતરના કૌભાંડ મામલે પણ કોઇની શહેશરમ નહિ રાખે તેવી ચર્ચાએ યુરિયા ખાતરના કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે. યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયા બાદ રાજકારણીઓ અને ઉદ્યોગકારો ના પગ નીચે રેલો આવ્યો છે. જેને દબાવવા દોડધામ મચી છે.