કોરોના મહામારીએ જાણે કેટલાય પરિવારોના માળા વીંખી નાખ્યા છે. નોકરી ધંધા અને બેરોજગારીએ અનેક યુવાનોના જીવ લીધા છે. નવસારી જિલ્લાના વાંસદામાં એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી છે. મળતી માહિતી અનુસાર, કોરોનાની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થઇ ગયેલા યુવકે ઝાડ પર લટકીને આપઘાત કરી લીધો હતો. જુવાન દીકરાને આમ ઝાડ પર લટકતો જોઇને ભાંગી પડેલા માતા પિતાએ પણ જીવવનો અંત લાવી દીધો હતો. પુત્ર કલાકો સુધી ન મળતાં મૃતક યુવાનની બહેને શોધખોળ ગામ તેમજ બહાર શોધ આદરી હતી. એ દરમિયાન આંબાના ઝાડ પર ભાઈ અને તેની બાજુમાં જ માતા-પિતાના મૃતદેહ લટકતા જોઇને બહેનના પગ નીચેથી જાણે જમીન સરકી પડી હતી.
આ ઘટનાની જાણ થતાં મોળાઆંબા ગામ અને વાંસદા તાલુકામાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. જાણવા મળે છે કે મૃતક યુવાનની પત્ની તથા ત્રણ વર્ષની બાળકી પણ હતી જેમના કલ્પાંતથી આખા પંથકમાં ગમગીની વ્યાપી હતી. વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં આ પરિવાર રહેતો હતો અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વર્ષ પહેલાં પુત્ર યોગેશને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી.
જોકે સારવાર બાદ યોગેશ માનસિક રીતે અસ્થિર થઇ ગયો હતો અને ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારની નજર ચૂકવીને છેવટે યુવાને એ જ કર્યુ જેનો માતા પિતાને ડર હતો. ઘરથી થોડે દૂર આંબાના ઝાડ પર ગળાફાંસો ખાઈ યોગેશે જીવનલીલા સંકેલી લીધી હતી.. કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં માતા-પિતા તેની શોધખોળ કરવા લાગ્યાં હતાં. એ દરમિયાન ઘરની નજીક જ આંબા પરથી પુત્રની લાશ મળી આવી હતી. પુત્રના મૃતદેહને જોઇને માતા-પિતા આઘાતમાં સરી ગયાં હતાં. તેમણે પણ પુત્રના મૃતદેહ નજીક અલગ-અલગ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. માતા-પિતા અને ભાઈએ ફોનનો જવાબ ન આપતાં દીકરી ચિંતામાં મુકાઈ હતી. ગોપજી ઘોટાળને બે દીકરી છે, જેમાંથી એક દીકરીને ગામમાં જ પરણાવી હતી. મૃતક યોગેશભાઈની પત્ની અને 3 વર્ષની દીકરીના કલ્પાંતથી આકાશ ગુંજી ઊઠ્યું હતું.