ગોવા સિદ્દાદે હોટલમાં લગ્ન યોજાયા હતા જ્યાં વાપીથી ૨૫૦ મહેમાનો ગયા હતા અને લંડન, અને આફ્રિકાથી પણ મહેમાનો લગ્નમાં સામેલ થયા હતા ત્યારે આ તમામમાં આફ્રિકન સ્ટ્રેઇન તો નથી ને?
લગ્નમાં ગયેલ અને કોરોના સંક્રમિત થયેલા મોટાભાગનાં ઉદ્યોગપતિઓ હોમ ક્વોરોન્ટાઇન થઇ જઇ ઘરે જ સારવાર લઇ રહ્યા છે : જિલ્લા તંત્ર સમગ્ર બાબતથી અજાણ
જિલ્લામાં ખુબ જ આશ્ચર્યની વચ્ચે માત્ર વાપીમાં ૫૦થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગ વલસાડ જિલ્લામાં કોરોનાનાં કેસ નહીં હોવાનું જણાવી રહ્યું છે ત્યારે માત્ર વાપીમાં જ ૫૦ થી વધુ ઉદ્યોગપતિઓ, વેપારીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાના અહેવાલ છે. સનસનાટીભરી વિગતો એવી છે કે, વાપીનાં જાણીતા હરિયા પરિવારનાં તુષારભાઇ હરિયાનાં દિકરા સાથે હ્યુબરવાળા સુરેશ પટેલની દિકરીનાં ગત સપ્તાહમાં ગોવા ખાતે આવેલ હોટલ શિદ્દાદે ગોવામાં ખુબ જ રંગેચંગે લગ્ન લેવાયા હતા. જેમાં વાપીથી લગભગ ૨૫૦ જેટલા બંને પરિવારોનાં સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળના લોકો ગોવા લગ્ન માણવા ગયા હતા. આ લગ્નમાં નૈરોબી (આફ્રિકા) અને લંડનથી પણ મોટા પ્રમાણમાં મહેમાનો આવ્યા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત નૈરાબીથી પણ કેટલાક પરિવારો આ લગ્નમાં આવ્યા હોવાની વાત છે. હાલમાં દેશમાં જયારે આફ્રિકન સ્ટ્રેઇનનો ભયાનક વેવનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે આ લગ્નમાં હાજરી આપનાર પૈકી જે 50 લોકો કોરોના સંક્રમિત થયા છે તેઓમાં તો આ આફ્રિકન સ્ટ્રેઇન નથી ને? ત્યારે ગોવા લગ્ન પ્રસંગ પતાવીને વાપી આવેલાઓ પૈકી ૫૦થી વધુ લોકોને કોરોના થઇ ગયો હોવાની વાત બહાર આવી છે. ત્યારે આ તમામમાં આફ્રિકન સ્ટ્રેઇન છે કે નહિ તેની તપાસ જરૂરી બની છે. ઉપરાંત ગોવા લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર તમામના કોરોના સંક્રમિત છે કે નહિ તે તપાસવા વહીવટી તંત્ર આ તમામના ટેસ્ટિંગ કરાવડાવે તે જરૂરી છે. અન્યથા આ જિલ્લા માટે વધુ ઘાતક પુરવાર થાય તેમ છે. ઉપરાંત વાપી, સરીગામનાં જાણીતા ઉદ્યોગપતિઓ, વીઆઇએ જાડે સંકળાયેલા કેટલાક નામાંકિત માણસો આ લગ્ન પ્રસંગ પતાવી આવ્યા બાદ કોરોના ગ્રસ્ત થયા હોવાની વાત છે.
આ મામલે જિલ્લા કલેક્ટરશ્રી આર.આર. રાવલને કે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ પટેલને કોઇ જાણકારી ન હોવાનું જાણવા મળ્યું છે. કોરોના ગ્રસ્ત થયેલા આ તમામ શ્રીમંતો હાલમાં પોતાના ઘરેથી સારવાર લઇ રહ્યું છે અને ક્વોરોન્ટાઇન થઇ ગયેલ છે. દક્ષિણ ગુજરાત વર્તમાને કેટલાક ઉદ્યોગપતિઓ સાથે વાત કરતાં તેમણે તુષારભાઇ હરિયા અને સુરેશભાઇ પટેલનાં દિકરા-દિકરીનાં લગ્નમાં ગોવા ગયેલા અનેક ઉદ્યોગપતિઓને કોરોના થયેલ હોવાની વાતને સમર્થન આપ્યું છે. આમ વાપીમાં એક સાથે ૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ કોઇપણ પ્રકારની જાહેર જાણકારી આપ્યા વિના ઘરમાં ક્વોરોન્ટાઇન થઇને ખાનગીમાં સારવાર લઇ રહ્યું છે. પરંતુ આ તમામને કોરોના થયો તે પહેલાં તેઓ વાપીમાં અનેક લોકોના સંપર્કમાં આવી ચૂક્યા છે ત્યારે જિલ્લા પ્રશાસન હોટસ્પોટ બનેલા વાપીને તાત્કાલીક કંટ્રોલ કરે તે સમગ્ર જિલ્લા માટે આવશ્યક બનેલું છે.