કહેવાય છે કે અંગદાન એ સૌથી મોટું દાન છે. જો મૃત્યુ બાદ તમે જીવિત રહેવા માગતા હો તો એવું કરો કે તમારા શરીરના અંગોનું દાન કરો. આવું જ એક ભગીરથ કાર્ય વાપીના આધેડ વયના વ્યક્તિએ કર્યુ છે. વાપીના 55 વર્ષીય આધેડને બ્રેનસ્ટ્રોક આવ્યો હતો. સારવાર દરમિયાન કોમામાંથી બહાર આવવાના કોઇ લક્ષણો દેખાતા ન હોવાથી તબીબોએ સમજાવતા પરિવારે અંગદાન કરવા સહમતિ આપી હતી. વાપીની હરિયા હોસ્પિટલે પોલીસની મદદે ગ્રીન કોરિડોરથી કિડની, લિવર અને બંને આંખો નવસારી- અમદાવાદ મોકલી હતી.
વાપીમાં રહેતા મુરલી નાયર ઉ.વ.55ને બ્રેઇન સ્ટ્રોક આવતા સારવાર માટે તેઓ હરિયા હોસ્પિટલમાં લવાયા હતા. સતત 6 દિવસ બાદ પણ તેઓ સ્ટ્રોકમાંથી બહાર આવી શક્યા ન હતા. પરિવારે હવે આશા છોડી દીધી હતી. તેમના કિડની, લીવર જેવા અંગો સલામત હોવાથી તબીબોએ તેમની પત્ની લતા નાયર અને પુત્ર લતીશ મોરવલે સાથે અંગદાનની વાતો કરી હતી.
અંગદાનની વાતોને સહમતિ આપતા શનિવારે મુરલી નાયરની કિડની, લિવરને અમદાવાદના જાયડ્સ હોસ્પિટલમાં ઓપરેશન હેઠળ રહેલા દર્દીઓને આપવાનું નક્કી કરાયું હતું. જે અંતર્ગત શનિવારે વાપી જીઆઇડીસીના પીઆઇ વી.જી.ભરવાડ અને તેમની ટીમે ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો અને અવયવોને સુરક્ષિત રવાના કર્યા હતા. આશરે સાડા ચાર કલાકમાં આ અવયવો અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. નવસારી ખાતે મૃતકની બંને આંખો અને અમદાવાદમાં 5 દર્દીઓને લીવર અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની તૈયારી કરવામાં આવી હતી.
બ્રેઇન સ્ટ્રોકના ઘણાં કેસો હોસ્પિટલમાં આવતા હોય છે. પરંતુ અંગદાનની વાતો કરીએ તો દર્દીના પરિજનો તે માટે ઇનકાર કરતા હોય છે. અંગદાન એ મહાદાન છે અને તેનાથી અન્ય લોકોને જીવનદાન મળી રહે છે. જે માટે લોકોમાં અંગદાન કરવા જાગૃતિ લાવવાની જરૂર છે.