પશ્ચિમ બંગાળ વિધાનસભાની હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં ભાજપને જોરદાર શિક્સત ખાવી પડી છે. ટીએમસીએ 200થી વધુ બેઠકો પર વિજય મેળવતા ભાજપ નેતાગીરીમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજી તરફ આ ચૂંટણીમાં સૌથી મોટો અપસેટ નંદીગ્રામ બેઠકના પરિણામે આપ્યો છે. આ બેઠક પર મુખ્યમંત્રી મમતા તથા તેના જ એક સમયના સાથીદાર અને જમણો હાથ ગણાતા તેમજ હાલના ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી વચ્ચે ટકકર હતી. જેમાં મમતાએ પછડાટ ખાધી છે. નંદીગ્રામમાં શુભેન્દુ અધિકારીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી ત્યારે જ મમતાને આ બેઠક પરથી હરાવવાનો હુંકાર કર્યો હતો. જે બાદ રવિવારે યોજાયેલી મતગણતરીમાં શરૂઆતી રૂઝાનોમાં શુભેન્દુ અધિકારી મમતા બેનરજીથી આગળ ચાલી રહ્યાં હતાં. પરંતુ સાંજે 4 વાગ્યા બાદ મમતા બેનરજીએ સરસાર મેળવવાનું શરુ કર્યું હતુ. બંને વચ્ચે નજીવા મતથી બાજી પલટાતી રહી હતી. જે બાદ સાંજે 5 વાગ્યે મમતા બેનરજી સુવેંદુ અધિકારી કરતા 1200 મતોથી આગળ રહ્યા અને વિજયી થયાના સંદેશા વહેતા થયા હતા. જો કે, તે પછી લગભગ એક કલાક બાદ મમતા બેનરજી નહીં પણ ભાજપના અધિકારીએ નંદીગ્રામનો સંગ્રામ જીતી લીધો હોવાનું બહાર આવ્યું હતુ.
ભાજપના અધિકારીએ મમતા કરતા 1622 મતો વધુ મેળવ્યા હતા. પરાજય બાદ મમતાએ ચૂંટણી પરિણામોમાં કંઈક હેરફેર કરાઈ હોવાનો આરોપ પણ મુકયો હતો. સાથે જ કોર્ટમાં જઈને ટુંક સમયમાં જ તેનો ખુલાસો કરવાની જાહેરાત કરી હતી. બેનરજીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર નિશાન તાકતા કહ્યું હતું કે, નંદીગ્રામની લડાઈ તેમના માટે એક સંઘર્ષનો ભાગ છે. ચૂંટણીપંચે નંદીગ્રામમાં હંમેશા ભાજપના પ્રવક્તા તરીકે કામ કર્યું હતુ. આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપે ડર્ટી પોલિટિક્સ ખેલ્યું હતુ. જો કે, મોડી સાંજે મમતાએ પોતાની હારનો સ્વીકાર કરતા કહ્યું હતું કે, નંદીગ્રામમાં શું થયુ એ ભુલી જાવ. નંદીગ્રામ મામલે ચિંતા ના કરો. નંદીગ્રામના લોકોએ જે કોઈ પણ જનાદેશ આપ્યો છે હું તેને માથે ચઢાવું છું. આ ચૂંટણીમાં અમે 221થી વધારે બેઠકો જીતી અને ભાજપને શિકસ્ત આપી છે.