2019ના જુલાઈ મહિનામાં લદાખ સરહદે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર ચીની સૈન્યએ હુમલો કરતા 22 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ ભારતે ચીન સાથેના તમામ સંબંધો પર રોક લગાવી દીધી હતી. દુનિયામાં કાયમ માટે વિસ્તારવાદી નીતિને કારણે પંકડાયેલા ચીને તેની નીતિ નહીં સુધારતા ભારત સાથે સતત વિવાદ વધી રહ્યો છે. દરમિયાન ગુરુવારે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ગાલવાન ઘાટીમાં ફરી હિંસક અથડામણ થયાનો દાવો મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલમાં કરાયો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, ફેબ્રુઆરીમાં પેંગોંગ ત્સો લેકના ઉત્તર અને દક્ષિણ કિનારે સેનાઓ પાછી ખેંચવા અંગે ભારત-ચીન વચ્ચે કરાર થયો હતો. પરંતુ હવે ફરી એકવાર ચીની સેના એલએસી પાર કરીને ભારતના વિસ્તારોમાં આવી રહી છે. એપ્રિલ ૨૦૨૧ના પ્રથમ સપ્તાહમાં મોટી સંખ્યામાં ચીની ડ્રોને ભારતીય હવાઇ સીમામાં દેખા દીધી હતી. જે બાદ મે અને જૂન મહિનામાં ડેમચોક અને ચુમારમાં ભારતીય પેટ્રોલિંગ ટુકડીઓએ ચીની ટુકડીઓની વધતી જતી અવરજવર સામે વાંધો ઉઠાવી તેના પુરાવા ચીનને સોંપ્યા હતા.
જેમાં ચીની સેનાના જવાનો આ વિસ્તારમાં સાદા વેશમાં ફરી રહ્યાનું જણાવ્યું હતુ. ઉપરાંત ચીની સેનાએ અગાઉ ખાલી કરેલા સંખ્યાબંધ વિસ્તારો પર ફરી કબજો જમાવવાનું શરૃ કર્યું હોવાથી તે સામે ભારતને વાંધો હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતુ. ભારતના આ વાંધા પછી પણ ચીન સતત હિલચાલ વધારી છે. હાલ તેણે એલએસી પર રશિયન મિસાઇલ સિસ્ટમ એસ-૪૦૦ની બે રેજિમેન્ટ તહેનાત કરી છે જે લદ્દાખમાં ગમે ત્યાં ભારતીય યુદ્ધવિમાનને તોડી પાડી શકે છે. એલએસી પર ગોગરાથી શરૃ કરીને પોઇન્ટ ૧૭થી ૨૩ સુધી ચીની સેનાએ મોટો જમાવડો કર્યો છે. પેંગોંગ ત્સો લેકની કૈલાશ રેન્જ પર પણ ચીની સેનાએ ફરી કબજો જમાવી દીધો છે. દરમિયાન એક અથડામણનો વીડિયો જારી થયો છે. જેમાં બંને દેશના જવાનો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યાનું જણાય છે. જો કે, આ અથડામણ ચોક્કસ કયા દિવસે થઇ હતી અને તેમાં કોઇ જાનહાનિ થઇ હતી કે કેમ તે સ્પષ્ટ નથી. આ અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા પછી ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, એલએસી પર ગાલવાન ઘાટી કે અન્ય કોઇપણ વિસ્તારમાં અથડામણની વાતને નકારી કાઢી છે. સાથે આ અહેવાલ ગેરમાર્ગે દોરનારો હોવાનું પણ કહ્યું છે. ભારતીય સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, ચીની સેનાની દરેક ગતિવિધિ પર ભારતીય સેના ચાંપતી નજર રાખી રહી છે. સરહદી વિવાદના ઉકેલ માટે ભારત અને ચીન મંત્રણાઓ કરી રહ્યાં છે. સંબંધિત વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.