વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર કરવા ગયેલા રાજ્યના મુખ્યમંત્ર વિજય રુપાણી રવિવારે ચાલુ ભાષણે ઢળી પડ્યા હતા. જે બાદ તેને સારવાર અર્થે મોડી સાંજે અમદાવાદ ખસેડાયા હતા. જયાં તેની ગત રાતથી જ સારવાર ચાલી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના સેમ્પલો લઈને પરિક્ષણ કરાતા તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સાંપડી છે. બીજી તરફ દેશના વડાપ્રધાન મોદીએ વિજય રુપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને રુપાણીને આરામ કરવા માટે સલાહ આપી હતી. વડોદરા ખાતે રવિવારે ભાજપ માટે પ્રચાર સભામાં ભાષણ આપી રહેલા વિજય રુપાણી એકાએક ઢળી પડતા સભામાં દોડધામ મચી ગઈ હતી. તે બાદ તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડી પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જ્યાં તેમને 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રખવામાં આવ્યા છે. દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર વિગતો હોસ્પિટલે જાહેર કરી હતી. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્થિતિ સ્થિર અને સુધારા પર છે. તેમની સાથે-સાથે ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા કોરોનાની ચપેટમાં આવ્યાની પૃષ્ટિ થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની હોવાથી રુપાણી અને આ મંત્રીઓ કેટલાક દિવસથી સતત પ્રચાર કરી રહ્યા હતા. દરમિયાનમાં તેઓ ઘણાં નેતાઓ અને કાર્યકર્તાઓના સંપર્કમાં આવ્યા હોવાથી તેઓને ચેપ લાગ્યાનું અનુમાન છે.