દૂધ સાગર ડેરીની ચુંટણીમાં ઝળહળતો વિજય મેળવ્યા બાદ વિપુલ ચૌધરી વિવાદોમાં સપડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ઢોરનું ખાણ, દૂધ, ડેરીની મશીનરી તથા પાણી વ્યવસ્થામાં કૌભાંડ બહાર આવ્યા બાદ હવે તેમણે 75 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં મુક્યું હોવાનો આરોપ ઉઠ્યો છે.
ઉઠેલી ફરિયાદો મુજબ વિપુલ ચૌધરીએ પશુપાલકો સાથે ઠગાઈ કર્યા બાદ બોગસ કોલેજને નામે વિદ્યાર્થીઓ-વાલીઓને પણ છેતર્યા છે. બાળકોને નોકરી આપવાનું કહી, મોટી ફી વસૂલવામાં આવી હતી. ચૌધરીએ મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની મિલકતમાં જ બોગસ કોલેજ ઊભી કરીને ૭૫થી વધારે યુવાનોને મુશ્કેલીમાં મુકી દીધા છે. દૂધ સાગર ડેરીના ચેરમેનપદે રહેલા વિપુલ ચૌધરીએ ડેરીના જ કેમ્પસમાં પોતાના માતા કંકુબા પશુપાલન વિદ્યાપીઠ નામે કોલેજ બનાવી હતી. જેમાં ભારતમાં કોઈ જગ્યાએ ચાલતો ન હોય તેવો ડેરી સાયન્સના ચાર વર્ષના અભ્યાસક્રમનુ ગતકડું ચલાવાયું હતુ.
૨૦૧૫માં એડમિશન પ્રક્રિયા સમયે વિપુલ ચૌધરીએ પશુપાલકો સમક્ષ તેમના બાળકો ડેરી ટેકનોક્રેટ બને તેવી જાહેરાત કરી હતી. આ સાથે જ વિપુલ ચૌધરીએ ધોરણ -૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે આ કોર્સ લાભદાયી હોવાનું પણ કહ્યું હતુ. આવા વિદ્યાર્થીઓ ચાર જ વર્ષમાં આ અભ્યાસક્રમ પૂર્ણ કર્યેથી ડેરીના ક્ષેત્રમાં નોકરી આપવાનું પણ તેમણે વચન આપ્યું હતુ. સાથે જ પશુપાલકોને તેમના બાળકોને ભણવા મોકલવા માટે મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના તાબાની મંડળીઓને જાણ કરી હતી. જો કે, પાછળથી વર્ષ ૨૦૧૯માં ૭૬ વિદ્યાર્થીઓએ મિલ્ક પ્રોડક્શન મેનેજમેન્ટનો ચાર વર્ષનો કોર્સ પૂરો કર્યો ત્યારે એકપણ તાલીમાર્થીને નોકરી મળી ન હતી. વિદ્યાર્થીઓએ નોકરીની માગણી કરી, આંદોલનો કર્યા ત્યારે નોકરીને બદલે તેમની પાસેથી ઉઘરાવેલી ફી બેંક એકાઉન્ટમાં પરત જમા કરાવી દેવાઈ હતી. જે બાદ વધુ તપાસ થઈ તો તે અભ્યાસક્રમ સરકાર માન્ય જ ન હોવાનું બહાર આવ્યું હતુ.