વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં પણ મોટી ઇનિંગ્સ પણ રમી શક્યો ન હતો. જેના કારણે 2 વર્ષથી સદીની રાહ વધુ વધી ગઈ છે. સુકાની પદ પરથી હટી ગયા બાદ પણ કોહલીના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. શ્રેણીની ત્રણેય મેચમાં વિરાટ માત્ર 26 રન જ બનાવી શક્યો હતો. જેના કારણે તેના ચાહકો પણ નારાજ છે. સોશિયલ મીડિયા પર તેની ટીકા પણ થઈ રહી છે.
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં 8 રન અને બીજી મેચમાં 18 રન બનાવ્યા હતા. તે ત્રીજી વનડેમાં ખાતું પણ ખોલી શક્યો નહોતો. તે રોહિત શર્માની કેપ્ટન્સીમાં પ્રથમ વખત વનડે રમ્યો હતો. હાલમાં, વિરાટ કોઈપણ ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો નથી અને ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડ્યા પછી આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય શ્રેણી પણ હતી.
કોહલી છેલ્લા 2 વર્ષથી ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. તેના ચાહકો પણ વિરાટની 71મી આંતરરાષ્ટ્રીય સદીની રાહ જોઈ રહ્યા છે. તેની છેલ્લી સદી નવેમ્બર-2019માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં હતી, જે તેણે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ગુલાબી બોલ પર ફટકારી હતી. વિરાટના ચાહકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે તેની મોટી ઇનિંગ્સની રાહ ક્યારે પૂરી થશે.
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે વિરાટ વિશે ટ્વિટ કર્યું છે. એક યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે હવે વિરાટે આરામ કરવો જોઈએ અને બેન્ચ પર બેઠેલા અન્ય યુવાનોને તક આપવી જોઈએ.’ તે જ સમયે ગુંજન નામના યુઝરે તેની તસવીર પોસ્ટ કરી – એક મોટો સ્કોર સમગ્ર પરિસ્થિતિને બદલી નાખશે. હજુ પણ આશા છે પણ રાહ જોવાતી નથી.