બરોડાના રાજવી ગાયકવાડ જમાનાની ઐતિહાસિક વઘઇ-બીલીમોરા ટ્રેન લાંબા સમયથી બંધ રહ્યા બાદ હવે ફરી શરૂ થશે. આ ટ્રેન 4 સપ્ટેમ્બરના રોજ ફરી પાટા પર દોડતી થઇ જશે. આ સંકેતો કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે આપ્યા છે. દર્શનાબેન જરદોશના સોશિયલ મીડિયાના પેજ પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડાંગ જિલ્લામાં કોરોનાને પગલે લાંબા સમય થી બંધ ટ્રેન વ્યવહાર ને કારણે આદિવાસી વિસ્તારના લોકો અને સ્થાનિક લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી જેની મેં નોંધ લીધી હતી.
જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે આજે ભેંટ સ્વરૂપે ત્યાંના આદિવાસી સમુદાય, સ્થાનિક લોકો અને પ્રવાસીઓની માંગ ને ધ્યાનમાં રાખી વઘઈ – બીલીમોરા વચ્ચે સ્પેશિયલ ટ્રેન ને પુનઃ શરૂ કરતાં મને ખુબ આનંદ થાય છે. 4 સપ્ટેમ્બર 2021 શનિવારથી પુનઃ શરૂ આ ટ્રેન સ્થાનિક રહીશો, રોજગારી માટે મુસાફરી કરતા લોકો અને પ્રવાસીઓ માટે સાનુકૂળ રહેશે. હાલ વઘઇ-બીલીમોરા ટ્રેન પુન: શરૂ થવાના સંકેત સાથે લોકોમાં ખુશી જોવા મળી રહી છે.