હાલ કોરોનાની મહામારીને લીધે ઘણાં ધંધાઓને અસર પહોંચી છે. લગ્નને લગતા ધંધાઓને ખાસ અસર દેખાઇ રહી છે એવામાં દક્ષિણ ગુજરાતના નવસારીના ચીખલી તાલુકા ડીજે એસોસિયેશન એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બગલાદેવ મંદિરથી લઈને ચીખલી ડેપો સુધી યોજવામાં આવી હતી. રેલી સમાપન કરીને ડીજેના સંચાલકો દ્વારા ચીખલી મામલતદારને આવદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ચીખલી તાલુકામાં ડીજે સંચાલકો કોરોના મહામારી આવી ત્યાંથી લઈને અત્યાર સુધી ખરાબ દિવસોમાં જીવી રહ્યા છે. ધંધો સંપૂર્ણ પણે ઠપ્પ થઇ ગયો છે. જેના લીધે તમામ સંચાલકોએ કપરા દિવસોનો સામનો કરવો પડી રહ્યો છે. સંચાલકોએ આવેદન આપીને સરકારને અપીલ કરી છે કે લગ્ન પ્રસંગો તેમજ તહેવારોમાં ડીજેને પરવાનગી આપવામાં આવે. તેના સંદર્ભમાં તેઓએ ડીજે ચલાવવાની પરમિશન આપે તેવી સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. ડીજે એસોસિયેશનના એક સભ્યનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષ ઉપરથી તેમના ધંધા રોજગાર બંધ થઈ જતાં તેઓને પોતાના પરિવાર માટે ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની રહ્યું છે. માંગો નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ડીજે સંચાલક મંડળોએ આપી છે.