કર્ણાટકની રાજધાની બેંગલુરુની 6 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અહેવાલો અનુસાર, આ તમામ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ વિશે વાત કરતા બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર કમલ પંતે શુક્રવારે જણાવ્યું હતું કે શહેરની આ શાળાઓને ‘ઈ-મેલ’ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી છે અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. શાળાઓને મોકલવામાં આવેલા ઈમેલમાં લખવામાં આવ્યું છે કે આ મજાક નથી અને તરત જ પોલીસને બોલાવો.
કમિશનર પંતે કહ્યું, બેંગલુરુની શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી છે. અમારી સ્થાનિક પોલીસ તેની તપાસ કરી રહી છે.” તેમણે કહ્યું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે સ્થળ પરથી કંઈ મળ્યું છે કે કેમ, કમિશનરે જણાવ્યું હતું કે, અમારી ટીમો ઈ-મેઈલના આધારે સ્થળ પર તપાસ કરી રહી છે અને માહિતી પ્રાપ્ત થશે ત્યારે મીડિયા સાથે શેર કરવામાં આવશે. અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.હતું કે આવા કોલ્સ ઘણીવાર નકલી હોય છે પરંતુ અમે કોઈ તક લેવા માંગતા નથી અને દરેક શાળાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ.
જે શાળાઓને બોમ્બની ધમકીઓ મળી છે તેમાં બેંગ્લોર ઈસ્ટમાં ડીપીએસ, મહાદેવપુરામાં ગોપાલન ઈન્ટરનેશનલ સ્કૂલ, મરાઠાહલ્લીમાં ન્યૂ એકેડમી સ્કૂલ, ગોવિંદપુરામાં ઈન્ડિયન પબ્લિક સ્કૂલ, હેન્નુરની સેન્ટ વિન્સેન્ટ પોલ સ્કૂલ અને ઈલેક્ટ્રોનિક્સ સિટીમાં એબેનઝર ઈન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. પોલીસે કહ્યું કે આ શાળાઓને ખાલી કરાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. શાળાઓને મોકલવામાં આવેલા ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને આ કોઈ મજાક નથી. જેમાં સેંકડો લોકોના જીવ જોખમમાં હોવાથી તાત્કાલિક પોલીસને બોલાવવાનું લખેલું છે. હવે બધું તમારા હાથમાં છે.