ભારતમાં કોરોનાની લહેરની ઘાતક અસરો પછી સરકારે ફરી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન મુકવાનો લક્ષ્યાંક છે. જો કે, આ લક્ષ્યાંક સામે સૌથી મોટા પડકાર રસીની ઉપલબ્ધતાનો છે. કારણ કે દેશની વસ્તીની સરખામણીમાં પુરતો જથ્થો સમયસર મળવો મુશ્કેલ છે. સીરમ ઇન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ સોમવારે આ અંગે મીડિયા સમક્ષ ફોડ પાડ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, ભારતમાં કોરોનાની બીજી લહેરની વ્યાપક અસર બાદ વેકસીનેશનને ઝડપી બનાવવું આવશ્યક છે. પરંતુ આગામી કેટલાક મહિના સુધી વેક્સિનની તંગીની સમસ્યા આપણી સામે રહેશે. હાલમાં દર મહિને 60-70 મિલિયન એટલે કે 6-7 કરોડ ડોઝનું ઉપ્તાદન સીરમ દ્વારા થઈ રહ્યું છે. કંપની આ ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. જુલાઈ સુધીમાં આ ક્ષમતા 10 કરોડ ડોઝનુ ઉત્પાદન કરવા સુધીનો લક્ષ્યાંક છે. એટલે કે, હજી 2-3 મહિના સુધી ભારતમાં વેક્સિનની તંગી રહેશે. પુનાવાલાએ વધુમાં કહ્યું હતુ કે, જુલાઈ સુધીમાં વેકસીનની જરૃરિયાત સામે રસીનું ઉત્પાદન સરખુ જઈ જશે. તેથી આખા દેશમાં સમયસર રસી મળી શકે તેવું આયોજન છે. અત્યારે કોરોના વાયરસની બીજી લહેરમાં દરરોજ 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. લોકોએ આવા સંજોગોમાં ગાઈડલાઈનનું પાલન કરીને પોતાને સુરક્ષિત રાખવું આવશ્યક છે. અત્યાર સુધી વેક્સિન પ્રોડક્શન ક્ષમતાને ન વધારવાનું કારણ ઓછા ઑર્ડર હતુ. પરંતુ હવે એક જ વર્ષમાં 1 અબજથી વધારે ડોઝ બનાવવા પડે તેમ છે. અત્યારે ભારત જ નહીં આખી દુનિયા વેક્સિનની તંગી પડી રહી છે. પૂનાવાલાએ વધુમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, જાન્યુઆરીમાં કોરોનાના કેસ ઘટવા માંડ્યા હતા. તેથી સરકારે અને લોકોએ ગાઈડલાઈનના પાલનમાં છુટછાટ લીધી. પરિણામે સ્થિતિ સતત વણસતી ગઈ છે. જાન્યુઆરી મહિનાથી જ દરેકને લાગી રહ્યું હતુ કે ભારતે કોરોનાને હરાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ હકીકત કંઈક જુદી જ હતી. તેથી ગત મહિને જ સરકારે સીરમ ઇન્સ્ટિટ્યુટને 3000 કરોડ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. જેથી વેક્સિનના ડોઝ બનાવવાની ક્ષમતાને વધારી શકાય.
અદાર પૂનાવાલાએ કોવિશીલ્ડ વેક્સિનની કિંમત અંગે કહ્યું કે, આ પહેલા સુધી કેન્દ્ર સરકારને ફક્ત 150 રૂપિયા રૂપિયા પ્રતિ ડોઝના દરે કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી રહી હતી. પરંતુ તમારે 700 રૂપિયા સુધી ચુકવવા પડી શકે છે. આ વેક્સિન રાજ્ય સરકારોને 300 રૂપિયા અને ખાનગી હૉસ્પિટલોને 600 રૂપિયામાં મળશે. એટલે કે વેક્સિનની કિંમત અને લગાવડાવવાના ચાર્જ સહિત તમારે ખાનગી હૉસ્પિટલમાં 700 રૂપિયા આસપાસ ચુકવવા પડી શકે છે.