ચીન હાલ પ્રતિકૂળ હવામાનનો સામનો કરી રહ્યું છે. જ્યારે દેશના કેટલાક ભાગો ભયંકર ગરમી અને દુષ્કાળ સામે લડી રહ્યા છે, ત્યારે ઘણા વિસ્તારોમાં પૂર સતત તબાહી મચાવી રહ્યું છે. યુરોપની જેમ વિશ્વ હવામાન સંસ્થા (WMO)એ ચીનમાં પણ તીવ્ર ગરમીની ચેતવણી આપી છે અને કહ્યું કે, આ માટે સમયસર જરૂરી પગલાં લેવા જોઈએ. સંગઠને કહ્યું કે, આગામી 5 વર્ષ દરમિયાન તમામ દેશોએ ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રમાં કામ કરીને ગ્રીનહાઉસ ગેસ ઘટાડવો પડશે.
ચીનમાં ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ ભયાનક
વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જળવાયુ પરિવર્તનની અસરોથી ઝઝૂમી રહ્યો છે. દેશમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના સહાયક મહાસચિવ ડૉ. વેન્જિયન ઝાંગે કહ્યું કે, ચીનમાં હવામાન અને જળવાયુ પરિવર્તનની સ્થિતિ અત્યંત ગંભીર છે. દેશના દક્ષિણ ભાગ તીવ્ર ગરમી અને દુષ્કાળનો અનુભવ કરી રહ્યો છે, જ્યારે ઉત્તરમાં પૂરની સ્થિતિ યથાવત છે. ચીનના જુદા જુદા ભાગોમાં પૂર અને દુષ્કાળની આ બેવડી સ્થિતિએ આપત્તિ નિવારણ અને રાહત કામગીરી માટે ઘણા પડકારો ઉભા કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે ક્લાઈમેટ ચેન્જની અસરો સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ.
કાળઝાળ ગરમીએ તોડ્યા અનેક રેકોર્ડ
ચીનના હવામાન પ્રશાસને જણાવ્યું કે, દક્ષિણ ચીનમાં 13 જૂનથી તીવ્ર ગરમી શરૂ થઈ હતી. 1961થી, દેશમાં હવામાનની સ્થિતિ નોંધાઈ રહી છે, ત્યારથી તે સૌથી ગરમ વર્ષ રહ્યું છે. 15 ઓગસ્ટ સુધીમાં ચીનમાં આકરી ગરમીએ 2013નો 62 દિવસનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર (NMC)એ 30 ઉચ્ચ તાપમાનના રેડ એલર્ટ જાહેર કર્યા હતા. હવામાનની આગાહી અનુસાર, 26 ઓગસ્ટથી દેશમાં હીટવેવની સ્થિતિ ઓછી થવાનું શરૂ થશે.