મહારાષ્ટ્રમાં પાંચ દિવસથી મેઘરાજાએ રીતસર આતંક મચાવ્યો હોય તેમ અનેક વિસ્તારમાં ભારે વરસાદ અને પૂર તેમજ ભૂસ્ખલનની ઘટના ઘટી છે. જેને કારણે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન ખાતાએ હજીપણ રેડ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મંત્રાલયના ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જે બાદ તેમણે વરસાદને કારણે બનેલી ઘટનાઓમાં મૃતકના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે કેન્દ્ર સરકારે મૃતકોના સગાને 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવા નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે હવે ભૂસ્ખલનની ઘટના ઘટી રહી છે. જેને કારણે વિનાશ સર્જાયો છે. જુદા જુદા બનાવોમાં અત્યાર સુધીમાં 136 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. રાયગડ જિલ્લાના મહાડ તાલુકાના તાલિયે ગામે સર્જાયેલી કરુણાંતિકામાં 49 લોકોનાં મોત નીપજ્યાં છે અને 12 લોકોને ઈજાઓ થઈ છે, જ્યારે અન્ય 47 લોકો ગુમ છે. આ ગામની કુલ વસ્તી જ 120 લોકોની હોવાથી આજે આ ગામ તબાહ થઈ ગયું છે.
રાયગડના તાલિયેમાં ભૂસ્ખલનની આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. જે બાદ ત્યાં સરકાર દ્વારા રાહત અને બચાવ ટુકડીને મોકલીને ઓપરેશન ચાલુ કરાયું હતુ. ગામના મિલિંદ ગંગવાનના જણાવ્યા પ્રમાણે ‘સરકાર અને પ્રશાસન દ્વારા ગ્રામજનોને આપત્તિ અંગે કોઈ સુચના આપવામાં આવી ન હતી. અમારા નાના ગામમાં ફક્ત 120 લોકોની વસ્તી છે. પથ્થર 100 ફુટની ઊંચાઇથી પથ્થર પડ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા 4-5 દિવસ પહેલા તેમને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. પરંતુ વરસાદ ઓછો થયો ત્યારે તેઓ પાછા ફર્યા હતા. રાયગડ, સતારા અને રત્નાગિરીમાં પૂર અને ભૂસ્ખલનના અલગ અલગ બનાવોમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન ભૂસ્ખલનની અલગ-અલગ ઘટનાઓમાં અત્યાર સુધી 136 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. વધુમાં મળતી વિગતો મુજબ આગામી બે દિવસ સુધી રાયગડ, કોંકણ અને સતારામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કોલ્હાપુર, રત્નાગિરી અને સિંધુદુર્ગ ઓરેન્જ એલર્ટ પર છે. કોલ્હાપુરમાં પંચગંગા નદી, રત્નાગિરીમાં કાજલી અને મુચકુંગી, કૃષ્ણ નદી અને કોયના ડેમ તેમજ વિશિષ્ટ નદી હજી પણ ભયજનક સપાટીએ વહી રહી છે.