સંઘપ્રદેશ દાનહના દીગ્ગજ રાજકીય નેતા અને સાત ટર્મ સાંસદ તરીકે ચૂંટાયેલા મોહન ડેલકરે રવિવારે મધ્યરાતે મુંબઈની મરિન ડ્રાઈવ સ્થિત હોટલ સી ગ્રીનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. દાદરા નગરહવેલીમાં ઘટનાની જાણ થતાં જ ભારે ગમગીની છવાઈ ગઈ છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને ગુજરાતીમાં લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં 40 લોકોના નામ ડેલકરે ફાંસો ખાતા પહેલા લખ્યા હોવાનું જાણવા મળ્યું છે. દાનહના સાંસદ મોહનભાઈ ડેલકર રવિવારે મોડી સાંજે ડ્રાઇવર અને બોડીગાર્ડ સાથે સેલ્વાસથી મુંબઈ ગયા હતા. જે બાદ તેઓ મરીન ડ્રાઈવ સ્થિત એક હોટલમાં રોકાણ કર્યુ હતું. ચાર- પાંચ કલાક વીતવા છતાં મોહનભાઈએ કોઈ હિલચાલ ન કરતા તેમના ડ્રાઈવરે તેમને ફોન કર્યો હતો. આ સમયે રાત્રીના અગિયાર વાગ્યા હતા. જો કે, મોહનભાઈએ હું અત્યારે કામમાં છું, પછી ફોન કરું છું, તેમ કહીને ફોન કાપી નાંખ્યો હતો. ત્યારપછી ફોન સ્વીચ થઈ ગયો હતો. દરમિયાન સોમવારે બપોરે બે વાગ્યા બાદ ડ્રાઇવર અને બોડીગાર્ડ સી ગ્રીન હોટલમાં મોહનભાઈની રૂમ પાસે પહોંચ્યા હતા. આ બંનેએ રુમ ખોલવા માટે બેલ વગાડયો હતો. પરંતુ રૂમની અંદરથી કોઈ પ્રકારનો પ્રતિસાદ મળ્યો ન હતો. આખરે ડેલકરના ડ્રાઈવર અને બોડીગાર્ડે હોટલનાં રિસેપ્શન ઉપર જાણ કરતા હોટલ સંચાલકોએ પોલીસ તથા મિસ્ત્રીને બોલાવ્યા હતા. જે પછીથી રૂમનો દરવાજો તોડી નંખાતા અંદર મોહન ડેલકર પંખા સાથે લટકીને ફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવ્યા હતા. પરંતુ અંદરથી કોઈએ રુમ ન ખોલતા હોટલના સંચાલકને જાણ કરાઈ હતી. આખરે હોટલ સંચાલકે મિસ્ત્રી અને પોલીસને બોલાવી રૃમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આ સમયે મોહનભાઈ ડેલકર પંખે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
રૂમમાંથી મોહનભાઈએ ગુજરાતીમાં સ્વહસ્તે લખેલી સાત પાનાની સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. પોલીસે આ લખાણ ગુજરાતમાં હોવાથી હોટલ પહોંચેલા મોહન ડેલકરના અંગત મદદનીશ કૌશિલ શાહ અને પંકજ શર્મા પૈકી કૌશિલ શાહ પાસે આ નોટ વંચાવી હતી. સ્યુસાઈડ નોટનો અર્થ સમજવાનો પ્રયાસ કરીને તેને કબજે લીધી હતી. સેલવાસમાં સાંસદના પરિવારજનોને ઘટનાની જાણ કરાતાં તેેઓ મુંબઈ પહોંચી ગયા છે, અને સાંસદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જે.જે. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. દાદરા નગરહવેલીના ૫૮ વર્ષીય મોહન ડેલકર ૧૯૮૯માં પહેલીવાર સાંસદ બન્યા હતા. ૧૯૮૯થી ૨૦૦૪ સુધી અને ત્યારબાદ ૨૦૧૯માં મોહન ડેલકર કોંગ્રેસ, ભાજપ અને પોતાની નવશક્તિ પાર્ટી તેમજ છેલ્લે અપક્ષ તરીકે લોકસભાનીચૂંટણીમાં જીત્યા હતા.
તેમણે ૧૯૮૫માં આદિવાસી સંગઠન બનાવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં સાત વખત વિજય મેળવીને ઇતિહાસ રચનારા ડેલકર દાનહના લોકપ્રિય નેતા હતા.
લોકસભાના ૧૫ સિનિયર સાંસદોને આપવામાં આવેલા સ્થાનમાંથી મોહન ડેલકર બીજા નંબરે રહ્યા હતા.
મોહન ડેલકર ૧૯૮૯માં કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પ્રથમવાર જીત્યા હતા. જે બાદ ૧૯૯૧ અને ૧૯૯૬માં કોંગ્રેસમાંથી ફરી સાંસદ બન્યા હતા. ૧૯૯૯ અને ૨૦૦૪માં અપક્ષ અને ભારતીય નવશકિત પાર્ટીના ઉમેદવાર તરીકે લડયા અને જીત્યા હતા.
જે બાદ ૨૦૦૯ અને ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર નટુ પટેલ સામે તેમની હાર થઈ હતી. એજ રીતે ૨૦૧૯માં અપક્ષ તરીકે ભાજપના નટુ પટેલ સામે તેઓ જીત્યા હતા.