પાકિસ્તાનમાં એક રંગીલા મિજાજના સાંસદે 14 વર્ષની છોકરી સાથે નિકાહ કર્યાની ઘટનાએ દુનિયામાં ચકચાર મચાવી છે. પાકિસ્તાનમાં આ નિકાહ કરનારનુ નામ મૌલાના સલાહુદ્દીન અયુબી છે. જેઓ બલુચિસ્તાનથી જમીયત ઉલેમા-એ-ઇસ્લામ પાર્ટીના સાંસદ છે. આ સાંસદે 14 વર્ષની છોકરીની સાથે નિકાહ કર્યાની જાણ થતાં પોલીસે તપાસ શરૃ કરી હોવાનું જાણવા મળ્યું છે. અંજુમન દાવત-ઓ-અજીમત સંસ્થાએ પોલીસને આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતુ કે, આ કિસ્સામાં છોકરીની લગ્નની ઉંમર થઇ હોય તેમ જણાતું નથી. તેથી તે અંગે તપાસ થવી જોઈએ. તપાસમાં જો છોકરીની લગ્નની ઉંમર લગ્ન લાયક ન હોય તો આ સાંસદ સહિત તમામ જવાબદારો સામે પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ મેરેજ એકટ અંતર્ગત કાર્યવાહી કરવી આવશ્યક છે. પાકિસ્તાનના મીડિયા અહેવાલો મુજબ ત્યાંના સોશિયલ મીડિયામા આ ઘટનાની પુરજોશમાં ચર્ચા ચાલી રહી છે.
જેમાં 14 વર્ષની છોકરીના લગ્ન ચાર ઘણી મોટી ઉંમરના શખ્સની સાથે કરાયા હોવા વિશે ખણખોદ થવા માંડી છે. JUI-Fના એક સ્થાનિક નેતાના સહયોગથી નિકાહને અંજામ અપાયો હોવાનું પણ કહેવાય છે. બીજી તરફ ઘટના વિશે પાક.ના ચિત્રલ પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર સજ્જાદ અહમદે કહ્યું હતુ કે, મૌલાનાના નિકાહનો મામલો ગયા વર્ષનો છે. ત્યારે લોકલ મીડિયામાં આ પ્રકારના સમાચારો આવ્યા હતા. આ સમયે પોલીસે છોકરીના પરિજનોનો સંપર્ક કર્યો હતો, પરંતુ છોકરીના પિતાએ દીકરીના નિકાહ થયાની વાતનો ઈન્કાર કર્યો હતો.
તેઓએ આ વિશે એક સૌગંદનાનું પણ પોલીસને સોંપ્યું હતુ. છોકરી ગર્લ્સ હાઇસ્કૂલની સ્ટુડન્ટ હતી. સ્કૂલમાં છોકરીની ઉંમર 28મી ઑક્ટોબર નોંધાયેલી છે. હવે આ ચર્ચા ચાલી રહી છે ત્યારે છોકરીના પિતા ઘરે નથી. તેમ છતાં તેની તપાસ કરાશે. હાલ મૌલાના અયુબી કે છોકરીના પરિવારે આ વિશે કંઇપણ કહેવાનો ઈન્કાર કર્યો હોવાથી હવે NGOની ફરિયાદને આધારે પોલીસ કાર્યવાહી કરાશે.